પોરબંદર : કોરોના સામેના જંગમાં પોરબંદર જિલ્લો સુસજ્જ થયો છે. પોરબંદર શહેરમાં અગાઉ કોરોનાના ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે, ત્યાર બાદ હજુ સુધી નવો કેસ સામે આવ્યો નથી, પરંતુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજય સરકારના માર્ગદર્શન મુજબ કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લામાં કોરોના નિયંત્રણ માટે ચાલતી તૈયારીઓ, લોકજાગૃતિ, આવશ્યક ચીજ વસ્તુઓનું વિતરણ, કોઈ ભૂખ્યું ન સુવે તે માટેની ઝીણવટ ભરી કામગીરી નોંધપાત્ર છે. જેનાથી આગળ વધીને હવે પોરબંદર જિલ્લામાં તકેદારીના ભાગ રૂપે 250 બેડની હોસ્પિટલ ડેઝિગ્નેટેડ કરવામાં આવી છે.
મહામારી કોરોના વાઇરસના સમગ્ર વિશ્વમાં વધી રહેલા કેસોને ધ્યાને લઇ તથા અગમચેતી તૈયારીના ભાગરૂપે યુધ્ધના ધોરણે રાજ્ય સરકારની સુચના મુજબ તથા કલેકટરના માર્ગદર્શન હેઠળ પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે 150 બેડ તથા શ્રી મોરારજી ઠકરાર હોસ્પિટલ ખાતે 100 બેડ આઇસોલેશન વોર્ડની સુવિધા સાથે આ પોરબંદરની બે હોસ્પીટલ ખાતે કુલ 250 બેડ તૈયાર કરાયા છે.
મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય કોરોના વાઇરસ સામે મક્કમતાથી લડી રહ્યુ છે. રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ, પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ, વહિવટી તંત્ર સહિતના વિભાગો રાત દિવસ કામ કરીને રાજ્યમાં કોઇ નાગરિક કોરોના વાઇરસના ભરડામાં લપેટાઇ નહી તે માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રાજ્યના દરેક જિલ્લામાં 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ ઉભી કરવા મળેલી સૂચનાને ધ્યાનમાં રાખીને પોરબંદર કલેકટર ડી.એન. મોદીના સંકલનમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની પ્રસંશનીય કામગીરીથી પોરબંદરની સરકારી અને ખાનગી એમ બે હોસ્પીટલમાં 250 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.
પોરબંદરમાં અત્યાર સુધી કોરોના વાઇરસના ૩ પોઝીટીવ કેસ નોંધાયા છે. આ દર્દીઓ ભાવસિંહજી હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહ્યા છે.