પોરબંદરઃ ગ્રીનઝોન જાહેર કરાયેલા પોરબંદરમાં 1 કેસ પોઝિટિવ આવતા તંત્ર સતર્ક બન્યું છે. પોઝિટિવ આવેલા દર્દીના રહેણાંક મકાનના આસપાસના વિસ્તારને 10 જૂન સુધી તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરાયો છે.
પોરબંદરમાં 30 માર્ચના રોજ પ્રથમ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને ત્યાર બાદના બે દિવસ બાદ અન્ય બે લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આમ પોરબંદરમાં કુલ 3 પોઝિટિવ કેસ હતા અને તેઓની સારવાર કરાતા ત્રણેયનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો ત્યારે ત્રણેયને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
પોરબંદર જિલ્લાને ગ્રીનઝોન જાહેર કરાયો હતો, પરંતુ ગઈકાલે મુંબઈથી આવેલા 50 વર્ષીય આધેડને કોરોના પોઝિટિવ આવતા પોરબંદરનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને આ પોઝિટિવ દર્દી રાજીવનગર અંજલિ પાર્કમાં રહેતા હતા ત્યાં કિરણ આર મોઢાના "શ્રી રત્ન" થી કિરીટ પ્રહલાદ રાય બુચના "રેણુકા" મકાન સુધી વિસ્તારને 10 જૂન સુધી કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કર્યો છે.
માલ અને સેવા પ્રવૃતિ માટે પરવાનગી સાથે અને મેડિકલ ઇમરજન્સી માટે જ વ્યકતીઓ અવર જવર કરી શકશે. અન્ય કોઈ પણ કામગીરી માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.