પાટણ: 'આપણું પાટણ સ્વસ્થ પાટણ'ના નેજા હેઠળ ગત 1 જૂનથી 30 જૂન સુધી યોગ કાર્યક્રમ શહેરના સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી રહ્યો છે. જેમાં વહીવટીતંત્ર અને વિવિધ સંસ્થાઓના સંકલનથી દરરોજ અલગ-અલગ સમાજના આગેવાનોને યોગ કાર્યક્રમમાં જોડી કોરોના મહામારી સામે જાગૃત કરી યોગ દ્વારા દરેક સમાજના લોકો નિયમિત યોગ કરી રોગપ્રતિકારક શક્તિ વધારી કોરોના સંક્રમણથી સ્વસ્થ રહે તેવો સંદેશો આપવામાં આવે છે.
જ્યારે વિશ્વ યોગ દિવસ નિમિત્તે જિલ્લા કલેકટર આનંદ પટેલ,જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલે યોગ કર્યા હતા. આ સાથે જ સમાજનો દરેક વ્યક્તિ નિયમિત રીતે યોગ કરી પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારે તેવો સંદેશો આપ્યો હતો. તેમજ સર્કિટ હાઉસ ખાતેના યોગ કાર્યક્રમમાં અધિકારીઓ, સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનોએ સરકારના નિયમોના પાલન સાથે યોગ કાર્યક્રમ કર્યો હતો.