પાટણ: આજના ઝડપી યુગમાં મોબાઈલ અને ઈન્ટરનેટ દ્વારા જે માહિતી ઝડપથી મળે છેે તેના પગલે તેમજ કોરોના વાઇરસ મહામારી સમયે સોશિયલ મીડિયાએ ભજવેલી ભૂમિકા અને પત્રકારત્વના વિદ્યાર્થી તરીકેની ફરજો અંગે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વેબિનાર યોજાયો હતો.
HNGUના પત્રકારત્વ વિભાગ દ્વારા કોરોના વાઇરસ મહામારી દરમિયાન સોશિયલ મીડિયા આશિર્વાદ કે અભિશાપ વિષય પર યોજાયેલા વેબિનારમાં તજજ્ઞ તરીકે જોડાયેલા ભવન્સ એચ.બી.ઈન્સ્ટિટ્યુટના વિઝિટીંગ ફેકલ્ટી અને વ્યવસાયે સર્જન એવા ડૉ.પરેશ રૂપારેલે જણાવ્યું કે, "અખબારો કરતાં અનેકગણા ઝડપી એવા સામાજીક માધ્યમોએ વ્યક્તિમાત્ર વચ્ચેનું અંતર ઘટાડ્યું છે. "
તેમણે વધુમાં જણાવ્યું કે, લોકડાઉન દરમ્યાન લોકોએ તેનો સદ્ઉપયોગ પણ કર્યો છે. તેવી જ રીતે તેના પર પહેલા ખોટા સમાચારોના ધોધ અને ભ્રામક વાતો પણ એટલી જ ફેલાઈ છે. પત્રકારત્વના વિદ્યાર્થી તરીકે હકીકતની ખરાઈ કરી પત્રકાર તરીકેની તમારી વિશ્વસનિયતા જળવાઈ રહે તે પ્રકારે સામાજીક માધ્યમોનો હંમેશા વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ જરૂરી છે.
નૅશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ માસ કમ્યુનિકેશનના ડાયરેક્ટર ડૉ. શિરિષ કાશિકરે જણાવ્યું કે, પ્રાથમિક રીતે દરેક માધ્યમ આશિર્વાદ રૂપ જ છે. પરંતુ તેના ઉપયોગની અતિશયોક્તિ તથા હું શું કરી રહ્યો છું એ દુનિયાને બતાવવાની ઘેલછામાં દરેક વ્યક્તિ બ્રોડકાસ્ટર બન્યો છે અને એટલે જ એક મોટું જોખમ પણ ઉભું થયું છે વિશ્વસનિયતાનું... સમાજમાં તમારી છબી સબળ હોવાથી ખોટી માહિતીથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે જોવાની જવાબદારી અને ફરજ પણ પત્રકાર તરીકે તમારી છે.
વધુમાં ડૉ.કાશિકરે કોવિડ-19 દરમ્યાન કરવામાં આવેલા સામાજીક સર્વે દ્વારા મેળવવામાં આવેલા વિવિધ પાસાઓની આંકડાકિય માહિતી પણ રજૂ કરી હતી. રોજીંદા જીવનમાં બનતી ઘટનાઓના સમાચારનું સ્થાન કોરોના વાઇરસ મહામારીને લગતા સમાચારોએ લીધું છે ત્યારે ખોટી આંકડાકિય માહિતી અને અન્ય કન્ટેન્ટની સત્યતા ચકાસવી જરૂરી બની છે.
કોરોના વાઇરસના સંક્રમણની ચેઈનની જેમ પત્રકારોએ ખોટા સમાચારની ચેઈન તોડી સમાજ અને જનમાનસ પર પડતા નકારાત્મક પ્રભાવને રોકવાની ફરજ અદા કરવાની છે. વધુમાં સામાજીક માધ્યમોનો બિનજરૂરી ઉપયોગ ટાળી સારા પુસ્તકોના વાંચન, યોગ-પ્રાણાયામ તથા નવી કળાઓ શિખી નકારાત્મક વિચારોથી દૂર રહેવાની જરૂર છે તેમ તજજ્ઞોએ જણાવ્યું હતું.