પાટણ રાધનપુર પંથકમાં સીઝનનો 138 ટકાથી વધુ વરસાદ વરસતા તાલુકાના કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા હોવાની બુમરાડો ઊઠવા પામી છે. તો બીજી તરફ વરસાદના વિરામ બાદ ખેતરોમાંથી પણ પાણી ઓસર્યા નથી. જેથી પાક નુકસાનીને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. સરકાર દ્વારા પાક નુકસાનીનો સર્વે કરી સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ રાધનપુર તાલુકામાં ચોમાસામાં 36 ઈંચ જેટલો વરસાદ પાડતા ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે. વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ અંતરિયાળ ગામોમાં પાણી ઓસર્યા નથી. જેને લઇ ગામ લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડી છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાંથી હજી સુધી પાણી ઓસર્યા નથી જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે તેથી પાક નુકશાનીનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.
આ પણ વાંચો પાટણ થયું પાણી-પાણી, જાણો ક્યા તાલુકામાં કેટલો વરસાદ...
27000 હેક્ટરમાં વાવેવત બગડ્યું રાધનપુર તાલુકામાં ચાલુ વર્ષે ખેડૂતોએ 27000 હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું છે જેમાં ખર્ચ પણ વધુ થયો છે. ત્યારે ચાલુ વર્ષે પાટણ જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે. જેથી ખેડૂતો પોતાના મહામૂલા મોલને લઈને ચિંતાતુર બન્યા છે.
આ પણ વાંચો બનાસ ડેરી સાધારણ સભા : રુપાલાની હાજરીમાં શંકર ચૌધરીએ કરી પશુપાલકોને ભાવ ફેરની મોટી જાહેરાત
એરંડા કપાસ કઠોળના પાકને નુકસાન રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ સહિત અન્ય ગામોના ખેતરોમાં પાણી ભરાઈ રહેતા બેટમાં ફેરવાયા છે. જેને લઇ એરંડાં કપાસ કઠોળ સહિતના પાકોને ભારે નુકસાની થવાની સંભાવના સેવાઈ રહી છે. ત્યારે ચાલુ વર્ષે વરસાદને કારણે થયેલ નુકસાનીનો સર્વે સરકાર દ્વારા તાત્કાલિક કરાવી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માગ ખેડૂતોમાં ઉઠવા પામી છે.