- સૂત્રો અને વિવિધ પ્રવૃત્તિઓથી યોજાયું મતદાર જાગૃતિ અભિયાન
- જિલ્લાના તમામ તાલુકાઓમાં બાઇક રેલી યોજાઇ
- ગ્રામ્ય વિસ્તારોમાં ચિત્ર-વકતૃત્વ -પોસ્ટર-નિબંધ જેવી વિવિધ પ્રવૃત્તિઓ
- વિવિધ સૂત્રો, બેનરો લગાવી સો ટકા મતદાન થાય તેવા પ્રયાસો
મહીસાગર: જિલ્લામાં આગામી 28 ફેબ્રુઆરી 2021એ જિલ્લા પંચાયતની 28 બેઠકો અને જિલ્લામાં સમાવિષ્ટ 6 તાલુકા પંચાયતની 126 બેઠકોની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. ત્યારે ‘આપણા સૌ નો એક જ નિર્ધાર બાકી ન રહે કોઈ મતદાર...’’ આ હેતુને સાકાર કરવા અને સો ટકા મતદાન થાય અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને વધુ મજબુત બનાવે તે માટે મહીસાગર-લુણાવાડાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આર. બી. બારડના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્રએ મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ચૂંટણી-2021 જાગૃત મતદાર-સુદ્રઢ લોકશાહી
તદ્અનુસાર મતદાર જાગૃતિ અભિયાનના અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીએ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા મથકોએ બાઇક રેલી, જયારે ગ્રામ્ય વિસ્તારોમાં ચિત્ર, વકતૃત્વ, પોસ્ટર, નિબંધ જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવાની સાથે "જાગૃત મતદાર-સુદ્રઢ લોકશાહી, મારો મત નિર્ણાયક મત, મતદાન માટે રહો તૈયાર" જેવા વિવિધ સૂત્રો, બેનરો વિવિધ સ્થળોએ તેમજ એસ.ટી. બસો પર લગાવીને જિલ્લામાં સો ટકા મતદાન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.