અમરેલી: જિલ્લાના ખેડૂત આધુનિક ખેતી તરફ વળી રહ્યા છે. માત્ર એટલું જ નહીં પરતું ખેડૂતો આધુનિક ખેતી કરી સારી એવી કમાણી પણ કરી રહ્યા છે. ખેડૂતો પરંપરાગત ખેતીમાં અખતરા કરી આધુનિકતા અપનાવી લાખોની કમાણી કરી રહ્યા છે પરંતુ હવે તેઓ લાખોની કમાણી બમણી કરવા માટેના પણ પ્રયાસ કરી રહ્યા છે.
અમરેલી જિલ્લામાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડી બાગાયતી પાકનું વાવેતર કરવા લાગ્યા છે. બાગાયતી પાકમાંથી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે અને વધુ સારું ઉત્પાદન લેવા માટે મહેનત કરી રહ્યા છે.
ખેડૂતો માટે સબસીડી: બાગાયતી પાકમાં ખેડૂતો અલગ અલગ પાકનું વાવેતર કરે છે. તમને જણાવી દઈએ કે, ખેડૂતને રોપા તેમજ ક્રોપ કવર માટે અને અન્ય કામકાજ માટે ખેડૂતોને સબસીડી પણ આપવામાં આવે છે. આમ, જિલ્લાના ખેડૂતો સબસીડી મેળવી સાથે સારો એવો વાવેતર કરી રહ્યા છે.

ઓછી જમીનમાં લાખો રૂપિયાનું ઉત્પાદન: તમને જાણીને નવાઈ લાગશે પરંતુ બાબરા તાલુકાના ગમા પીપળીયા ગામના પ્રગતિશીલ ખેડૂતે ગોલ્ડન સીતાફળનું વાવેતર કર્યું છે. તેમને ગોલ્ડન સીતાફળનો વાવેતર કર્યા બાદ પ્રાકૃતિક રીતે ગાય આધારિત ખેતી કરી, ઓછી જમીનમાં લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવ્યું છે.

છઠ્ઠા વર્ષે લાખો રૂપિયાનું ઉત્પાદન: ગમા પીપળીયા ગામના ખેડૂત પ્રેમજીભાઈ પાનસેરીયાએ માહિતી આપતા જાણવું કે, તેમને 2.5 વીઘામાં જમીનમાં ગોલ્ડન સીતાફળનું વાવેતર કર્યું છે. તેમના પાસે 6 વર્ષથી પોતાનો બગીચો હતો. આ બગીચા દ્વારા એક થી ચાર વર્ષ સુધી સામાન્ય ઉત્પાદન મળ્યું હતું પરંતુ સારી માવજત કરવાથી ચોથા, પાંચમા અને છઠ્ઠા વર્ષે લાખો રૂપિયાનું ઉત્પાદન મળ્યું છે.

ગૌમુત્ર, છાણનો ઉપયોગ કરી દવા બનાવી: વધુમાં જણાવતા તેઓએ કહ્યું હતું કે, 70 રૂપિયા લેખે એક રોપાનો ભાવ આપી તેમને પોતાના ખેતરે સીતાફળનું વાવેતર કર્યું હતું. ત્યારબાદ ગાય આધારિત ખેતી કરતા હોવાથી તેમને કોઈપણ પ્રકારનો ખર્ચ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત ગાયનું ગૌમુત્ર, છાણનો ઉપયોગ કરી દવા બનાવી અને તેનો છંટકાવ રોપા પર કર્યો છે.

1,50,000 નું ઉત્પાદન મળ્યું: ખેડૂત પ્રેમજીભાઈના જણાવ્યા અનુસાર તેમણે 370 રોપાનું અઢી વીઘામાં સીતાફળનું વાવેતર કર્યું. ચોથા, પાંચમા અને છઠ્ઠા વર્ષે 52,000, 55,000 અને 60,000 નું એક વીઘા ઉત્પાદન મળ્યું છે. આમ કુલ અઢી વિધાના વાવેતરમાં તેમને રૂપિયા 1,50,000 નું ઉત્પાદન મળ્યું હતું. ઉત્પાદન માટે કોઈપણ પ્રકારનો ખર્ચ કર્યો નથી. દવાનો છંટકાવ પણ પ્રાકૃતિક રીતે કરવામાં આવ્યો હતો. જેથી ખેડૂતને 100 % નફાકારક ખેતી થઈ છે અને ઓછી જમીનમાં વધુ ઉત્પાદન મળ્યું છે. પરિણામે તેમની આવક હવે સતત વધી રહી છે.
આ પણ વાંચો: