પાટણઃ ઈતિહાસમાં અનેક એવા વીર યોદ્ધાઓ અને વીર પુરૂષો છે, જેમણે માનવકલ્યાણ અને લોકહિતાર્થે અનેક બલિદાનો આપ્યા છે. અનેક એવા વીરપુરૂષો હતા, જેમના બલિદાનને આજે પણ યાદ કરવામાં આવે છે. આવી જ એક વાત છે વીર મેઘમાયાની.
આ પણ વાંચો Ashwa yatra: હમીરજી ગોહિલની શહાદતને યાદ કરતી અશ્વ યાત્રા પહોંચી સોમનાથ
વીર મેઘમાયાની પાલખી યાત્રાઃ જિલ્લામાં સરાઈ ચોક ખાતેથી આજે વાજતેગાજતે વીરમાયાની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. ઐતિહાસિક પાટણના પ્રાચીન સહસ્ત્રલિંગ સરોવરમાં આજથી સદીઓ પૂર્વે જનહિતાર્થે પીવાના પાણી માટે પોતાના દેહનું બલિદાન આપનારા વણકર વીર મેઘમાયાની બલિદાન તિથિની સ્મૃતિમાં દર વર્ષની પરંપરા મુજબ મહા સુદ સાતમ નિમિત્તે આજે આ પાલખીયાત્રા નીકળી હતી.
માનવજાત માટે બલિદાનઃ જિલ્લાની પ્રાચીન ભૂમિ પર ઐતિહાસિક સહસ્ત્રલિંગ સરોવરના નિર્માણ બાદ સતી જશ્માના શ્રાપના કારણે તેમાં પાણી ન આવતા પંડિતોના કહેવા મુજબ. કોઈ 32 લક્ષણો વ્યક્તિ આ સરોવરમાં હોમાય તો જ તેમાં પાણી આવી શકશે એવા રાજાના એલાન બાદ ધોળકા તાલુકાના રણોડા ગામના વણકર પરિવારનો 32 લક્ષણા વીર મેઘમાયા નામના વણકર યુવાને પશુ પક્ષી અને સમગ્ર માનવજાતના કલ્યાણ અર્થે સહસ્રલિંગ સરોવર ખાતે પોતાના દેહનું બલિદાન આપ્યું હતું. સરોવરમાં પાણીનો પ્રવાહ શરૂ થયો હતો.
વીર મેઘમાયાની સ્મૃતિમાં થાય છે ઉજવણીઃ વીર મેઘમાયાના બલિદાનની આ તિથિની સ્મૃતિમાં દર વર્ષે પાટણ શહેરમાં મહા સુદ સાતમ નિમિત્તે માયા સાતમ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
પરંપરાગત પાલખી યાત્રાઃ શહેરના મોટીસરા ચોક ખાતેથી પરંપરાગત પાલખીયાત્રા યોજીને શહેરના મેઈન બજાર માર્ગ, કનસાડા દરવાજા, પ્રાચીન કાલિકા માતા મંદિર અને રાણકી વાવ થઈને સહસ્ત્રલિંગ સરોવર સમીપે આવેલા માયા ટેકરી ખાતે મેઘમાયાના મંદિર અને મેમોરિયલ સંકૂલ ખાતે વીર મેઘમાયાની આ પાલખીયાત્રા પહોંચે છે. જ્યાં વીર મેઘમાયાને પરંપરાગત રીતે મલીદાનો પ્રસાદ ચડાવી ફૂલહાર તેમ જ ધૂપ દીવા દ્વારા તેમનું પૂજન અર્ચન કરવામાં આવ્યુ હતું. માયા સાતમની ઉજવણી નિમિત્તે સમગ્ર પાટણ શહેર ઉપરાંત દૂર દૂરથી માયાપ્રેમીઓ માયા સાતમ નિમિત્તે જોડાય છે અને વીર મેઘમાયાને નમન દર્શન પૂજન કરી ધન્યતા અનુભવે છે.