પાટણ: હારિજ તાલુકાના અસાલડી ગામની પરિણીત યુવતીને સાસરીયામાં પતિ સાથે મનમેળ ન રહેતા પોતાની બે વર્ષની દીકરી સાથે તેના કાકાના ઘરે રહેતી હતી. જેને ગામના જ યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. આ વચ્ચે કુરેજા નજીક નર્મદા મુખ્ય કેનાલમાં પ્રેમીપંખીડાઓએ બે વર્ષની નાની બાળકી સાથે મોતની છલાંગ લગાવી લીધી હતી. ત્યારે આજે બે પ્રેમી પંખીડા તેમજ બાળકીની લાશ મળી આવી હતી. જેથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
પતિ - પત્ની વચ્ચે માથાકૂટ: હારિજ તાલુકાના અસાલડી ગામની યુવતી હેતલબેન વિરમભાઈ નાનજીભાઈ ઠાકોરના લગ્ન ૫ વર્ષ અગાઉ કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે કિરણજી લસુખજી ઠાકોરની સાથે થયા હતા. બંને પતિ - પત્ની વચ્ચે માથાકૂટ થતાં સાત મહિનાથી યુવતી તેના પિયર હારીજ તાલુકાના અસાલડી ગામે તેના કાકાના ઘરે રહેતી હતી. જેને સંતાનમાં બે વર્ષની દિકરી હતી.
ગુરૂવારથી ત્રણેય ગાયબ: ગુરૂવારના રોજ સવારે પરિવારજનો ખેતી કામ અર્થે ખેતરે ગયેલા હતા. તેમજ ટિફિન બનાવવા માટે યુવતી એવી ભત્રીજીને પુત્રી સાથે ઘરે રાખી હતી . આ દરમિયાન બપોરે ટિફિન લઈને યુવતી ન આવતા તપાસ હાથ ધરી હતી . જોકે પરણીત યુવતી અને તેની બે વર્ષની પુત્રી બંને ક્યાંય દેખાયા નહીં એટલે ગામમાં અને સગા સંબંધીના ત્યાં પૂછપરછ કરતા ક્યાંય પતો લાગ્યો ન હતો. જેથી યુવતીના કાકા ગણાજી નાનજીજી ઠાકોરે હારીજ પોલીસ સ્ટેશને યુવતી હેતલ અને 2 વર્ષની શ્રદ્ધા ગુમ થયાની જાણ કરી હતી.
કેનાલ નજીકથી ડોક્યુમેન્ટ મળી આવ્યા: તપાસ કરતા ગામના જ યુવક વિજયજી અમૃતજી ઠાકોરનું અને હેતલબેન વિરમજી ઠાકોરના ડોક્યુમેન્ટ નર્મદા કેનાલની બાજુમાંથી મળી આવ્યા હતા. જેને પગલે બંનેએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વ્યકત કરવામાં આવી હતી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને ઘટનાની જાણ કરતા તાબડતોડ ડિઝાસ્ટરની ટીમ ઘટના સ્થળે આવી શોધખોળ આદરી હતી. જેમાં શનિવાર સવારે ગામનો યુવક વિજયજી અને હેતલ અને નાની દીકરી શ્રદ્ધાની લાશ મળી આવી હતી.
માતા પુત્રી અને પ્રેમી ગુરૂવારથી જ ઘરેથી ગુમ થયા હતા. જેની જાણવાજોગ અરજી યુવતીના કાકા દ્વારા આદિત પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. તપાસ દરમિયાન પરણીતા અને પ્રેમી યુવકના ડોક્યુમેન્ટ નર્મદાની મુખ્ય કેન્દ્ર નજીકથી મળી આવ્યા હતા. મોતની છલાંગ લગાવી હોવાની આશંકાને લઈને કેનાલમાં શોધખોળ કરતા ત્રણેયના મૃતદેહો આજે મળી આવતા મૃતકોનું લાશનું પીએમ કરાવી પરિવારજનોને મૃતદેહો સોંપવામાં આવ્યા છે અને બાળકીના મોત અંગે મૃતક પ્રેમી યુગલ સામે 302ની ફરિયાદ નોંધવામાં આવી છે. - આર કે પટેલ, હારીજ પીઆઇ
દુપટ્ટો બાંધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા: ત્રણેયની લાશ દુપટ્ટો બાંધેલી હાલતમાં મળી આવી હતી . તેમજ ત્રણેયે કાળા કલરના કપડા પહેર્યા હતા . જેઓના મૃતદેહ હારિજ સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામા આવ્યા છે . બનાવની જાણ થતાં હારીજ પોલીસે ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.