પાટણઃ નોવેલ કોરોના વાઇરસની મહામારીને નાથવા ડૉક્ટર્સ સહિતનો મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ જીવના જોખમે COVID-19 પોઝિટિવ દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ત્યારે તેઓને સંક્રમણનું જોખમ ઘટે તે માટે તૈયાર કરવામાં આવેલા ‘ધાર-બૉટ’ રોબોટનો જિલ્લા કલેક્ટર આનંદ પટેલની ઉપસ્થિતિમાં ધારપુર મેડિકલ કૉલેજ ખાતે ડેમો કરવામાં આવ્યો હતો.
કૉલેજ સંકુલમાં ચાર ડમી પેશન્ટ્સને રૉબોટ દ્વારા દવા અને પાણી પહોંચાડી તેનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું. સંપર્કથી ફેલાતા આ વાઇરસના ચેપની શક્યતાઓ ઘટાડવા ઉપયોગી ‘ધાર-બૉટ’ રોબૉટ સંપૂર્ણપણે ‘ટચ-ફ્રી’ છે. બ્લ્યુટુથ ટેક્નોલોજીથી સજ્જ મોબાઈલ એપ્લિકેશનથી સંચાલીત રોબૉટ થકી દર્દીઓને દવા, પાણી અને ભોજન સહિતની વસ્તુ પહોંચાડવી સરળ બનશે. બેટરી ઑપરેટેડ ‘ધાર-બૉટ’ પર લગાવવામાં આવેલા 360 ડીગ્રી વ્યુ કેમેરાથી ડૉક્ટર્સ તેમના વોર્ડમાં બેસીને આઈસોલેશન વોર્ડનું ઓબ્ઝર્વેશન પણ કરી શકાશે. સાથે સાથે ‘ધાર-બૉટ’માં લગાવવામાં આવેલા સ્પીકર્સથી ડૉક્ટર આઈસોલેશન વોર્ડમાં રહેલા દર્દીને સૂચના પણ આપી શકશે.
જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે, આઈસોલેશન વોર્ડમાં કામ કરી રહેલા કોરોના વોરિયર્સના સમય-શક્તિના બચાવ સાથે તેમની સુરક્ષાને ધ્યાને લઈ તૈયાર કરવામાં આવેલા ‘ધાર-બૉટ’ની સુવિધા સરાહનીય છે. ધારપુર હોસ્પિટલની ટીમના આઈડિયા અને પાટણના યુવાનો દ્વારા સંયુક્તપણે તૈયાર કરવામાં આવેલું આ ઈનોવેશન પાટણ જિલ્લાને અને સમગ્ર દેશને કોરોના સામેના જંગમાં એક નવો રાહ ચિંધે છે.
આ અંગે તબીબી અધિક્ષકશ ડૉ.યોગેશાનંદ ગોસાઈ જણાવ્યું કે, આઈસોલેશન વોર્ડમાં દર્દીઓ સાથે સંપર્કમાં આવતો મેડિકલ સ્ટાફ PPE કીટ સાથે જ પ્રવેશે છે. પરંતુ મેડિકલ સ્ટાફના મનમાં ચેપનો કોઈ ડર રહે નહીં અને વધુ સલામત રીતે યોગ્ય સારવાર આપી શકાય તે માટે ‘ધાર-બૉટ’ તૈયાર કરવામાં આવ્યો છે.