પાટણ: જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
અનલોક-2 મુજબ જરૂરી નિયંત્રણો સાથે બજાર ખુલ્લા રાખવા સહિતની છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનાર, માસ્ક ન પહેરનાર તથા જાહેરમાં થુકી જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટર આનંદ પટેલ જણાવે છે કે, પૂરતી કાળજી અને સાવચેતી રાખી અન્યોને જોખમમાં ન મુકવા સૌ નાગરીકોની સામાજીક જવાબદારી છે. કોરોના વાયરસ જેવી મહામારીના સમયે નાગરીકોનું બેદરકારીભર્યું વર્તન ચલાવી લેવાશે નહીં. માસ્ક પહેરવા અને સામાજીક અંતર જાળવવા જેટલી સામાન્ય બાબતોનું પણ ધ્યાન ન રાખનાર લોકો પાસેથી દંડ વસૂલવો જરૂરી છે.
શહેરી વિસ્તારમાં આસપાસના ગામમાંથી આવતા લોકો પણ માસ્ક વગર પ્રવેશ ન કરે તે માટે શહેરમાં પ્રવેશવાના માર્ગો પર કોરોના ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે. બજારમાં અને જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પેસેન્જર વ્હિકલમાં નિયમ મુજબના જ પેસેન્જર માસ્ક પહેરીને બેસે તે માટે વિવિધ ટીમ દ્વારા સતત નજર રાખવામાં આવશે. જો કોઈ મુસાફર માસ્ક વગર માલૂમ પડશે તો જે તે ખાનગી વાહનના ડ્રાઇવર પાસેથી દંડ વસૂલવામાં આવશે.