રાજ્ય સરકાર દ્વારા રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં વરસાદ તેમજ પુર જેવી પરિસ્થિતિને પહોંચીવળવા માટે આધુનિક બોટ સહિતની સાધન સામગ્રીઓ પુરી પાડવામાં આવી છે.પાટણ નગર પાલિકાને પણ આ પ્રકારના સાધનો ફાળવવામાં આવ્યા છે.પાટણ શહેર કે જિલ્લામાં વધુ વરસાદ તેમજ પુર જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે લોકોને પાણીમાંથી બચાવવા લાખો રૂપિયા ની હાઇડ્રોલોક બોટ ફાળવવામાં આવી છે.આ બોટ પાંચ વર્ષ પહેલાં નગર પાલિકાને આપવામાં આવી હતી.પણ આજ દિન સુધી આ બોટનો ઉપયોગ શહેર કે જિલ્લામાં થયો નથી.
મહત્વની વાત તો એ છે કે, આ બોટને ચલાવવા માટે નગર પાલિકા પાસે કોઈ તાલીમ પામેલા ચાલક જ નથી.લોકોને પાણીથી બચાવનાર આ બોટ પોતાનું અસ્તિત્વ બચાવવા લડી રહી હોય તેવું લાગી રહ્યું છે. પાટણ નગર પાલિકાના વિપક્ષ નેતા અને કોર્પોરેટર ભરત ભાટિયા એ આ બોટને બારે મહિના પાણીથી ભરપૂર હોય તેવા નદીકઠાંના વિસ્તારોમાં મોકલી આપવાનો મત રજૂ કાર્યો હતો.
પાટણ નગર પાલિકા જોકે વિપક્ષ નેતાના આ આક્ષેપોને પાટણ નગર પાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલે પાયા વિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા દરેક નગર પાલિકાઓને આ બોટ આપવામાં આવી છે. નગર પાલિકા આ બોટની ફક્ત જાળવણી જ કરે છે. પુર જેવી પરિસ્થિતિમાં આ બોટ ડિઝાસ્ટર વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાય છે.અગાઉ આ બોટ બનાસકાંઠાના પુરગ્રસ્ત વિસ્તારો માટે ઉપયોગમાં લેવાઈ હતી.રાજ્યના ગામ કે શહેરમાં આ બોટ પુર જેવી પરિસ્થિતિમાં મોકલી આપવામાં આવે છે.