પાટણઃ લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં સરકારે મહિલા ઉમેદવારોની સીટોમાં વધારો કરતા આ મામલે પાટણમાં એલઆરડી ભરતીનાં યુવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદન પત્રમાં પુરૂષ ઉમેદવારોની સીટોમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં લોકરક્ષક દળની ભરતીનો મામલો ચકડોળે ચડ્યો છે. આ ભરતી પ્રક્રિયામાં સરકાર દ્વારા તાજેતરમાં મહિલા ઉમેદવારોની સીટોમાં 33 ટકાની જગ્યાએ 46 ટકા કરી સીટોમાં વધારો કર્યો છે. જેના કારણે પુરૂષ ઉમેદવારોને અન્યાય થઇ રહ્યો છે.
આ મુદ્દાને લઇ લોક રક્ષક ભરતી પ્રક્રિયાના ઉમેદવારોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પુરૂષ ઉમેદવારોની સીટોમાં પણ વધારો કરવામાં આવે તેવી માગ કરી હતી. સરકાર દ્વારા પુરૂષ ઉમેદવારોની સીટોમાં વધારો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તબક્કાવારના કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.