પાટણઃ જિલ્લા પંચાયતના સ્વર્ણિમ હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભાની બેઠકમાં સભાના પ્રારંભમાં એજન્ડાના બે ઈશ્યૂ રજૂ કરવા મામલે વિપક્ષના સભ્યોએ વિરોધ નોંધાવી એજન્ડામાં અલગ-અલગ સમયના ફેરફારને ગંભીર ભૂલ ગણાવી હતી. તો શંખેશ્વરમાં પશુ સારવાર માટે ફાળવવામાં આવેલી એમ્બ્યુલન્સ ક્યારથી શરૂ કરવામાં આવી છે અને કેટલાક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે મુદ્દો પણ ઉઠ્યો હતો.
વિપક્ષે જિલ્લા પંચાયતમાં સ્વભંડોળના સત્તાધીશો દ્વારા આડે ધડ વાવડી ખોટા ખર્ચ કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમ જ ચાર્જમાં રહેલા કર્મચારીઓ અધિકારીઓ નિયમિત રીતે ફરજ બજાવતા નહીં હોવાની રજૂઆત પણ કરી હતી. શિક્ષકોએ ઉચ્ચતર પગાર ધોરણ માટે ત્રિપલ સી ના પ્રમાણપત્રો ગેરકાયદેસર રીતે કઢાવી શિક્ષણ સમિતિમાં રજૂ કરી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમજ જીલ્લા પંચાયતમાં ચાલતી બાલ સખા યોજનામાં પણ બાળકોને સાત દિવસ સારવાર આપવાની હોય છે તે પણ એક બે દિવસ ડોકટરોએ સારવાર આપી કાગળ ઉપર સાત દિવસ બતાવી લાખો રૂપિયાની ખાયકી કરવામાં આવી છે.