- પત્ની દોઢ વર્ષથી ઘરકંકાસથી માતા-પિતા સાથે પિયરમાં રહેતી હતી
- પાટણમાં પત્નીની હત્યા કરી મૃતદેહ પાસે જ પતિએ વિષપાન કરી આત્મહત્યા કરી
- માતા-પિતાના મોતથી ત્રણ બાળકો નોંધારા બન્યા
પાટણ- સિદ્ધપુર તાલુકાના લવરા ગામે રહેતા ઠાકોર કનુજી રમુજીના લગ્ન પાટણના જ્યોત્સનાબેન ઠાકોર સાથે થયા હતા. 20 વર્ષના લગ્નગાળા દરમિયાન ત્રણ બાળકોના માતા-પિતા બનેલા આ બન્ને વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી આર્થિક સંકળામણને લઈ ઘર કંકાસ શરૂ થયો હતો. જેથી પતિના ત્રાસથી કંટાળી પત્ની જ્યોત્સનાબેન બાળકો સાથે પાટણ માતા-પિતાના ઘરે રહેવા આવી ગયા હતા.
માતા-પિતા લોકાચારની ક્રિયા માટે બહારગામ ગયા હતા
આ દરમિયાન પાટણ સિધદ્ધપુર હાઈવે રોડ પર આવેલી સુરમ્ય રેસીડેન્સીમાં રહેતા જ્યોત્સનાબેન ગુરુવારે ઘરે એકલા હતા અને માતા-પિતા લોકાચારની ક્રિયા માટે બહારગામ ગયા હતા તે તકનો લાભ લઇ પતિ કનુજી ઠાકોર ઘરે આવ્યો હતો અને પત્નીને ત્રિશુલ જેવા આકારની છરી વડે ગળાના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતારી તેના મૃતદેહ પાસે જ પોતે ઝેરી દવા ગટગટાવી લઈ આત્મહત્યા કરી હતી.
પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો
બપોરના સમયે ભત્રીજો ઘરે ટિફિન લેવા આવતા અને લોહીથી ખરડાયેલા બન્નેના મૃતદેહ જોઈ ચોંકી ઉઠયો હતો અને બહાર ગયેલા પરિવારજનોને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. આ બનાવની જાણ પોલીસને કરતા બી ડિવિઝન પીઆઈ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બન્નેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો પોલીસે મૃતક મહિલાના પિતાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘરે પુત્રી એકલી હતી તે સમયે જમાઈએ ઘરે આવી આ કૃત્ય આચર્યું છે: પિતા
બનાવ અંગે મૃતક પરિણીતાના પિતા જીવણજી ઠાકોરે જણાવ્યું હતું કે, અમે પરિવારજનો લોકાચાર માટે બહાર ગયા હતા. ઘરે પુત્રી એકલી હતી તે સમયે જમાઈએ ઘરે આવી આ કૃત્ય આચર્યું છે. છેલ્લા દોઢ વર્ષથી આર્થિક સંકળામણને લઇ બન્ને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. તેથી પતિના ત્રાસથી કંટાળી પિયર આવી અમારી સાથે રહેતી હતી.