- ધારપુર હોસ્પિટલમા મહિલા નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની સરાહનીય કામગીરી
- છેલ્લા બે મહિનાથી હોસ્પિટલને બનાવ્યું છે ઘર
- બે મહિનાથી પોતાના ઘરે ગયા નથી કે પરિવારના સભ્યોને મળ્યા પણ નથી
- કોરોના ગ્રસ્ત દર્દીઓને પરિવારના સભ્યો માની કરી રહ્યા છે સારવાર
પાટણ : જિલ્લામાં કોરોનાના રૌદ્ર સ્વરૂપને લઇ ધારપુર હોસ્પિટલના તમામ બેડો હાઉસ ફૂલ બન્યા છે. તેમજ અનેક દર્દીઓ સારવાર મેળવવા આજે પણ વેઇટિંગમાં છે. આવા કપરા સમયમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર કરતાં નર્સિંગ સ્ટાફની હાલત દયનીય બની છે. તબીબોની સાથે નર્સિંગ સ્ટાફ માટે પણ 24 કલાક કોરોના ગ્રસ્ત દર્દીઓની દેખરેખ રાખવાની વિશેષ જવાબદારી અદા કરવાની હોય છે. જેમાં નર્સિંગ સ્ટાફના મહિલા સુપ્રિટેન્ડેન્ટ હેમા આનંદપરાની જવાબદારી અનેક ગણી વિશેષ રહી છે. તેઓ છેલ્લા બે મહિનાથી પોતાના ઘરે ગયા નથી. વૃદ્ધ માતા- પિતા કે પરિવારના અન્ય સભ્યોને તેઓ મળ્યા નથી.
આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ધારપુર કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી
કોરોના ગ્રસ્ત દર્દીઓને સારવારની સાથે સાથે આનંદ પ્રમોદ કરાવી મનોબળ કરે છે મજબૂત
કોરોના ગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવા સતત ફરજ પર હાજર રહેતા આ મહિલા સુપ્રિટેન્ડેન્ટ દર્દીઓ ઝડપથી તંદુરસ્ત બને તેવી લગની સાથે ફરજ અદા કરી રહ્યા છે. પોતાની ફરજ દરમિયાન કોરોના ગ્રસ્ત દર્દીઓને પરિવાર જેવી હૂંફ મળી રહે અને બીમારીનો ભય મન પર હાવી ન થાય તે માટે આનંદ- પ્રમોદ પણ કરાવી રહ્યા છે. હળવી કસરત સાથે નિયમિત રીતે પ્રાર્થના કરાવી આધ્યાત્મિકતા સાથે મનોબળ મજબૂત બનાવી અનેક દર્દીઓને મોતના મુખમાંથી બચાવી રહ્યા છે.
આ પણ વાંચો : દમણના કોવિડ વોર્ડમાં મ્યુઝિક થેરાપી દ્વારા કરવામાં આવે છે કોરોનાનો ઈલાજ
મહિલા નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટે દર્દીઓ સાથે જન્મદિવસ ઉજવ્યો
કોરોના ગ્રસ્ત દર્દીઓ સાથે ઓતપ્રોત બનેલી આ મહિલા નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટે પોતાના જન્મદિવસની ઉજવણી પણ કોરોના ગ્રસ્ત દર્દીઓ સાથે જ કરી હતી અને પરિવારના સભ્યોની જેમ હેત વરસાવી દર્દીઓને નાસ્તો કરાવી જન્મદિવસની ખુશી મનાવી હતી.