- ઘર આગળ વિવાદિત દીવાલને લઈ યુવકે કહ્યું હતું અગ્નિસ્નાન
- ત્રણ દિવસની સારવાર બાદ અમદાવાદમાં થયું મોત
- મૃતદેહને નિવાસ્થાને લવાતા તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ
- વિફરેલા લોકોએ વિવાદીત દિવાલ તોડી જમીનદોસ્ત કરી
- આરોપીઓની ધરપકડ બાદ જ અંતિમ યાત્રા કાઢવાની જીદને લઈ જવાઈ માંગણી
- સાંજે ઘરેથી નીકળી અંતિમયાત્રા
પાટણઃ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસની પાસેના રામજી મંદિરની ગલીમાં રહેતા પરિવારોના ઘરની આગળ જવાના રસ્તા પર રામજી મંદિરના પૂજારી અને ટ્રસ્ટી બિલ્ડર દ્વારા કોમર્શિયલ હેતુ માટે દીવાલ બનાવવામાં આવતા અવરજવરનો રસ્તો સાંકડો થતા ઘર આગળથી નનામી પણ નીકળી શકે તેમ ન હતી, આ મામલે ઠાકોર ચંદ્રસિંહે જવાબદાર સત્તાધીશોને લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી, પરંતુ આંખ આડા કાન કરવા ટેવાયેલા અધિકારીઓએ વાત કાને ધરી ન હતી તો રામજી મંદિરના પૂજારી અને ટ્રસ્ટીઓએ પણ દિવાલ મામલે કોઈ યોગ્ય જવાબ ન આપતા ચંદ્રસિંહ ઠાકોર ન્યાય મેળવવા માટે શરીર ઉપર પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું.
આગેવાનોની સમજાવટને બાદ મામલો પડ્યો થાળે
ચંદ્રસિંહને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યા ત્રણ દિવસની સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. તે દરમિયાન શનિવારે બપોરે તેમના મૃતદેહને પાટણ તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. જ્યા મોટી સંખ્યામાં સગા સંબંધીઓ અને ઠાકોર સમાજના લોકો એકઠા થયા હતા અને વિફરેલા લોકોએ તેમની નનામી નીકાળવા આ વિવાદિત દિવાલ તોડી જમીનદોસ્ત કરી હતી. એક તબક્કે કેટલાક આગેવાનોએ આરોપીઓની ધરપકડ બાદ જ અંતિમ સંસ્કાર કરવાની જીદ કરતા વાતાવરણ તંગ બન્યું હતું, જોકે કેટલાક આગેવાનોની સમજાવટથી બાદ સાંજે મૃતકની સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી.
પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
સવારથી સાંજ સુધી મૃતક યુવાનના ઘર પાસે તંગદીલી ભર્યુ વાતાવરણ રહ્યું હતું, જેથી કોઈ અઘટિત ઘટના ન બને તે માટે જિલ્લા કલેકટર કચેરી તથા રેલવે સ્ટેશન રોડ ઉપર પોલીસ કાફલો ખડકી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.