પાટણમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક વર્ષ 2020-21માં સરકારી ઇજનેરી કોલેજો અને પોલિટેકનિકમાં સમગ્ર રાજ્યની બેઠકોમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ભારે નુકસાન થઇ રહ્યું છે, ગુજરાતભરની 11 કોલેજોની 14 બ્રાંચમાં ડિગ્રી ઇજનેરી કોલેજની 2,549 તથા ડિપ્લોમાની 6,837 બેઠકો ઘટાડવામાં આવ્યો છે, તો બીજી તરફ સરકાર દ્વારા સ્વનિર્ભર કોલેજોને 50 ટકા મેનેજમેન્ટ કોટા ફાળવી લ્હાણી કરી છે.
પાટણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિરોધ નોંધાવી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સરકાર આ નિર્ણય પર પુનઃ વિચારણા કરે તેવી માંગ કરી હતી. વિદેશમાંથી વિદ્યાર્થીઓ ગુજરાતમાં શિક્ષણ લેવા આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટડી ઇન ગુજરાત જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે, તો બીજી તરફ રાજ્યના વિદ્યાર્થીઓને અન્યાય થઇ રહ્યો છે, આ મામલે સરકાર વિધાર્થીઓના હિતમાં નિર્ણય કરે તેવી માગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કરી હતી.