પાટણ: જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અધિકારી કર્મચારીઓ દ્વારા અરજદારો પાસેથી જે તે કામો માટે નાની મોટી રકમની લાંચની માંગણી કરવાના બનાવવાનું પ્રમાણ દિન પ્રતિ દિન વધી રહ્યું છે. તો બીજી તરફ ભ્રષ્ટાચારના આ ભોળીગને નાથવા માટે કેટલાક જાગૃત અરજદારો દ્વારા એસીબીનો સંપર્ક કરી આવા લાંચિયા અધિકારી કર્મચારીઓને કાયદાના પાઠ ભણાવે છે. પાટણ જિલ્લા પંચાયતમાં સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3 નો કર્મચારી રૂપિયા 5,000 ની લાચ લેતા પાટણ એસીબીના હાથે ઝડપાયો હોવાની ઘટના હજી લોકોના માનસપટ ઉપરથી વિસરી પણ નથી. ત્યારે આજે રાધનપુર મામલતદાર કચેરીમાં જ રેવન્યુ તલાટી અને ખાનગી વકીલાત કરતો વ્યક્તિ 12000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે.
છટકુ ગોઠવ્યુ: પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરિયાદીને પોતાના મામાની ગાડીને કોર્ટમાંથી છોડાવવા માટે સોલવંશી દાખલાની જરૂર હતી. આ દાખલા માટે તેણે જાવંત્રી ગામના ઇન્ચાર્જ અને ભિલોટ સેજામાં રેવન્યુ તલાટી અંકિતભાઈ પ્રજાપતિ નો સંપર્ક કર્યો હતો. જેણે આ દાખલાની અવજ પેટે ₹12,000 ની લાંચ ની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી લાચની આ રકમ આપવા માંગતો ન હોય તેણે પાટણ એસીબી કચેરી નો સંપર્ક કર્યો હતો.
વધુ તપાસ હાથ ધરી: દરમ્યાન એસીબી બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવીઝન હેઠળ પાટણ એસીબી પી.આઇ. જે.પી.સોલંકીએ છટકુ ગોઠવ્યુ હતું. જે મુજબ રાધનપુર મામલતદાર કચેરીમાં તલાટી અંકિત પ્રજાપતિ વતી ખાનગી વકીલાત કરતા દેવસી ઉર્ફે જીતુભાઈ મોહનભાઈ ઠાકોર રૂપિયા 12000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.એસીબી પોલીસે બંને આરોપીઓને ડીટેઇન કરી તેમની સામે લાંચ રુશ્વત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.