પાટણઃ ચાણસ્માના રણાસણના યુવકે લંડનમાં 16 દિવસ અગાઉ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આજે આ યુવકનો મૃતદેહ માદરે વતન પાટણના રણાસણ ગામે લવાયો છે. મૃતદેહ ગામમાં પહોંચતા જ શોકની કાલિમા પથરાઈ ગઈ હતી. મૃતકના અંતિમ સંસ્કાર સિદ્ધપુર મુક્તિધામ ખાતે કરવામાં આવ્યા હતા.
સ્ટુડન્ટ વીઝા પર વિદેશગમનઃ રણાસણ ગામના પ્રવીણ પટેલનો એકનો એક 23 વર્ષીય પુત્ર મીત બે માસ અગાઉ સ્ટુડન્ટ વીઝા પર લંડન ગયો હતો. જ્યાં તેણે શેફિલ્ડ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. તે લંડનમાં 56 ગ્રાન્ડ સ્ટ્રીટ 13ના સરનામે રહેતો હતો. તે સતત પરિવારજનોના સંપર્કમાં પણ હતો. જો કે બનાવ અગાઉ તેણે પરિવારને કોઈ તેના પર ત્રાસ ગુજારતું હોવાનું જણાવ્યું હતું. આ ત્રાસને લીધે તે આત્મહત્યા કરી લેશે તેમ પણ કહ્યું હતું. ગયા મહિનાની 19 તારીખે આ યુવકે આત્મહત્યા કરી લીધી હતી.
મૃતદેહ પરત લાવવા ઉચ્ચકક્ષાએ રજૂઆતઃ યુવકના મૃત્યુ બાદ તેના મૃતદેહને માદરે વતન પરત લાવવા પરિવારજનોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. પાટણના સાંસદ ભરત સિંહ ડાભીએ વિદેશ પ્રધાન એસ. જયશંકર અને લંડન એમ્બસીને પણ પત્ર લખ્યા હતા. આ રજૂઆતોને પરિણામે ભારત સરકાર અને પાટીદાર ફાઉન્ડેશનના સહયોગથી 16 દિવસ બાદ આ મૃતદેહ માદરે વતન પાટણ પહોંચ્યો. મૃતદેહ ગામમાં પહોંચતા જ સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું. મૃતકના અંતિમ સંસ્કાર સિદ્ધપુર મુક્તિધામ ખાતે કરવામાં આવ્યા હતા.