પાટણ: પાટણ ખાતે આનંદ સરોવર પાસે સાંજના સુમારે રોડ ઉપર પસાર થઈ રહેલ અલ્ટો કારમાં એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી. જોકે સદનસીબે અલ્ટો કારમાં મુસાફરી કરી રહેલ પરિવારના સભ્યો સમય સૂચકતા વાપરી ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. અલ્ટો કાર આગમા બળીને ભસ્મીભૂત બની હતી.
અલ્ટો કારમાં લાગી આગ: પ્રાપ્ત વિગતો મુજબ પાટણના સંખારી રોડ ઉપર વૃંદાવન બંગ્લોઝમાં રહેતા ગૌતમભાઈ રાઠોડ પરિવાર સાથે આજે સાંજના સુમારે પોતાની અલ્ટો કાર લઈ ખરીદી કરવા બજારમાં આવ્યા હતા. બજારનું કામ પૂર્ણ કરી ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે આનંદ સરોવર પાસે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે કારમાં એકાએક આગ ભભૂકી ઊઠી હતી અને જોત જોતામાં આગે સમગ્ર કારને લપેટામાં લેતા આગ સાથે ધુમાડાના ગોટેગોટા હવામાં ફેલાતા આજુબાજુના લોકોમાં દોડધામ મચી હતી.
આગ પર કાબુ: બીજી તરફ અચાનક આગ લાગી જતા વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો. આગની જાણ પાટણ નગરપાલિકાના ફાયર વિભાગની કરાતા ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું. ફાયર કર્મચારીઓએ આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઈ હતી.
'એકા-એક ધુમાડા નીકળ્યા હતા અને આગ ભભૂકી હતી. આગને જોઈને અમો ગાડીના દરવાજા ખોલી તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. જેને કારણે અમારો બચાવ થયો હતો તો બીજી તરફ નગરપાલિકાના કર્મચારીઓએ પણ ભારે જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.' -ગૌતમભાઈ રાઠોડ, કારચાલક
મોટી દુર્ઘટના ટળી: આ ઘટના દરમિયાન સદનસીબે જાનહાની થઇ નથી. પરિવારના લોકો કે જે કારમાં બેઠા હતા તેઓએ સમય સૂચકતા વાપરીને નીચે ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.