પાટણ : 14 ફેબ્રુઆરી 2019ના દિવસે ભારતના જમ્મુ કાશ્મીરના પુલવામાં જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરી માર્ગ પર સુરક્ષા જવાનોને લઈ જતા વાહનોના કાફલા પર વાહનથી આત્મઘાતી બોમ્બર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સના 44 જવાનોના મોત નિપજ્યા હતા.
ત્યારે આજે વીર શહીદોની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પાટણ પી.કે.કોટવાલા આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ વેલેન્ટાઈન ડેની ઉજવણી ન કરીને પુલવામા શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે આર્ટ્સ કોલેજ ખાતેથી જય જવાન અને શહીદો અમર રહોના નારા સાથે વિદ્યાર્થીઓએ રેલી યોજી શહીદવીરોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ રેલીમાં મોટા ભાગના વિદ્યાર્થીઓએ કાળો પોશાક ધારણ કરી રેલીમાં જોડાયા હતા. રેલી કોલેજથી નીકળી પાલિકા બજાર, રેલવે સ્ટેશન, બગવાડા દરવાજા થઈ કોલેજ પરત ફરી હતી. રેલીના માર્ગમાં વિદ્યાર્થીઓએ શહીદો અમર રહોના નારા લગાવ્યા હતા.