પાટણ: અરવલ્લીની ગિરિકંદરાઓમાં જગવિખ્યાત અંબાજી ધામ ખાતે શ્રદ્ધા ભક્તિ અને શક્તિના ત્રિવેણી સંગમ સમા સાત દિવસીય મહાકુંભ મેળાનો પ્રારંભ થયો છે. ત્યારે પાટણ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી વિવિધ પગપાળા સંઘ આદ્ય શક્તિ માં અંબાના દરબારમાં શીશ નમાાવવા માતાજીની માંડવી અને ધજા લઈ રવાના થયા છે. પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પગપાળા યાત્રા સંઘો પ્રસ્થાન કરતા સમગ્ર માર્ગ બોલ માડી અંબે જય જય અંબે ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.
યાત્રા સંઘનું આયોજન: શહેરના વિવિધ વિસ્તારોમાંથી એક પછી એક પગપાળા યાત્રા સંઘ અવિરતપણે રાત્રિ સુધી પ્રસ્થાન થતા તેમને હાઇવે સુધી વળાવવા જે તે વિસ્તારના રહીશો સંઘો સાથે જોડાતા શહેરના રાજમાર્ગો ઉપર માનવ મહેરામણ ઉમટ્યું હતું. શહેરના ગુજરવાડા યુવક મંડળ દ્વારા છેલ્લા 30 વર્ષથી અંબાજી પગપાળા યાત્રા સંઘનું આયોજન કરવામાં આવશે. ત્યારે ચાલુ વર્ષે 31 માં સંઘનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ સંઘમાં 125 પદયાત્રીઓ જોડાયા છે. રાત્રે માતાજીની આરતી બાદ જય અંબે નાદ સાથે સંઘ પ્રસ્થાન થયો હતો.
અંબાજી તરફ પ્રયાણ: રાજકાવાડા વિસ્તારની રામ શેરી ખાતેથી બપોર બાદ નારસંગા વીર દાદાનો પગપાળા યાત્રા સંઘ પ્રસ્થાન થયો હતો. જેમાં 100 થી વધુ પદયાત્રીઓ માતાજીની ધજા પતાકા લઈ નીકળ્યા હતા. શહેરના વિવિધ માર્ગો ઉપર સંઘનું સામૈયુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રે ગુજરવાડા યુથ ક્લબ, દ્વારકેશ મિત્ર મંડળ, કસરવાડા યુથ ક્લબ, જીણી પોળ ,બુલાખી પાડો, સરવૈયાવાડો શાહનો પાડો, લોટેશ્વર સહિતના વિસ્તારોમાંથી બોલ માડી અંબે જય જય અંબે નાદ સાથે સંઘોએ અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું.
પદયાત્રીઓ માટે મુસ્લિમ યુવકોનો સેવા કેમ્પ: ધર્મ અને ઐતિહાસિક નગરી પાટણમાં અનેક તહેવારો કોમી એકલાસ અને ભાઈચારાના વાતાવરણ વચ્ચે સંપન્ન થાય છે. ત્યારે આજે પાટણથી અંબાજી તરફ જઈ રહેલા સંઘમાં પણ કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા. પાટણ એકતા ફાઉન્ડેશનના મુસ્લિમ લોકો દ્વારા આજે પ્રથમવાર શહેરના બગવાડા દરવાજા ખાતે અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે આઈસ કેન્ડી નો કેમ્પ રાખ્યો હતો. જેમાં પાટણથી પ્રસ્થાન થતા 10 થી વધુ સંગોના પદયાત્રીઓને 3,000 થી વધુ કેન્ડીનું વિતરણ કરી કોમી એકતા અને ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.