પાટણ: મા જગદંબાની આરાધના અને ઉપાસના કરવાનું પર્વ એટલે નવરાત્રિ. ભારતીય ધર્મશાસ્ત્રોમાં ચાર નવરાત્રિ પર્વ બતાવવામાં આવ્યા છે. મહાનવરાત્રિ, ચૈત્ર નવરાત્રિ, અષાઢ નવરાત્રિ તેમજ શારદીય નવરાત્રિ. જેમાં આસો માસની શારદીય નવરાત્રિનું વિશેષ મહત્વ રહેલું છે.
નવરાત્રિમાં ઘટસ્થાપન શા માટે?
આ પર્વમાં ભક્તો દ્વારા અનેક રીતે માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિ પર્વમાં ખાસ કરીને માટીના ગરબાનું વિશેષ મહત્વ છે. સંસ્કૃતમાં ગરબાને ગર્ભ કહ્યો છે. ગરબો સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક છે. માટીમાંથી તૈયાર થયેલા ગરબામાંની અંદર દીપ પ્રજ્વલિત કરી દીવો મૂકવામાં આવે છે અને તેના છિદ્રોમાંથી રેલાતા કિરણો સમગ્ર બ્રહ્માંડને તેજ પૂરું પાડે છે. ગરબાને મા જગદંબાની શક્તિના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. અને તેથી જ આદિ-અનાદિ કાળથી નવરાત્રિમાં સૌ કોઈ ગરબાને ચાચર ચોકમાં મૂકી તેની આરાધના કરે છે.
ગરબાના વેચાણ પર કોરોનાનો ફટકો:
નવરાત્રિમાં ગરબાના વેચાણને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. નવરાત્રિ દરમિયાન માટીના ગરબાનું વિશેષ મહત્વ વિશેષ રહેલું છે. પાટણના ઓતિયા પરિવારો દ્વારા દર વર્ષની જેમ માટીના રંગબેરંગી ગરબા બનાવી તૈયાર કરવામાં આવ્યા છે પરંતુ અત્યાર સુધી કોઇ ઓર્ડર મળ્યો નથી. તો લોકોમાં પણ કોરોનાને કારણે ગરબાની ખરીદીમાં અભાવ વર્તાઇ રહ્યો છે.
ખેલૈયાઓમાં નવરાત્રિને લઇને ઉત્સાહનો અભાવ:
દર વર્ષે વિવિધ શેરી-મહોલ્લા, પોળો અને સોસાયટીઓમાં ખેલૈયાઓ ગરબે ઘૂમી નવ દિવસ સુધી માની આરાધના કરતા હતા. પરંતુ કોરોના મહામારીને કારણે સરકારે ગરબા મહોત્સવો પર રોક લગાવતા ખેલૈયાઓમાં પણ નિરાશા જોવા મળી છે. જો કે આ વખતે પણ પ્રાચીન પરંપરા મુજબ શક્તિના ઉપાસકો માટીના ગરબા પ્રસ્થાપિત કરી માતાજીની ઉપાસના જરૂરથી કરશે.
પાટણથી ભાવેશ ભોજકનો વિશેષ અહેવાલ