- પાટણ જિલ્લામાં ભારે વરસાદ
- સંપનો વાલ્વ તૂટતા રેલાયું પાણી
- વાલ્વ તૂટતા તાત્કાલિક સમારકામ હાથ ધરાયું
પાટણ: ગાંધીબાગ ખાતે નગરપાલિકા સંચાલિત સંપના મુખ્ય ટાંકાનો વાલ્વ તૂટી જતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. બનાવને પગલે વોટર વર્કસના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવતા તાત્કાલિક સમારકામ હાથ ધરાયું હતું.
સંપમાં ખામીને કારણે અવારનવાર હાલાકી
ગાંધીબાગની 50થી વધુ સોસાયટીઓને આ સંપ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. મંગળવારે પાણી વિતરણ કર્યા બાદ એકાએક મુખ્ય ટાંકાનો વાલ્વ તૂટી જતા તેમાં સંગ્રહિત હજારો લીટર પાણી ગાંધીબાગમાંથી નદીના વહેણની જેમ ચારેબાજુ ફેલાઇ ગયું હતું. તેમજ જનતા હોસ્પિટલ રોડ પર પણ પાણી ભરાઇ ગયા હતા.
વોટર વર્કસના કર્મચારીઓ દોડી આવ્યા
વાલ્વ તૂટ્યો હોવાની જાણ થયા બાદ પાલિકાના વોટર વર્કસના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમારકામ હાથ ધર્યું હતું. જો કે આ કામગીરી દરમિયાન વોટર વર્કસના ચેરમેન કે જવાબદાર સત્તાધીશો સ્થળ ઉપર નિરીક્ષણ કરવા પણ ફરક્યા ન હતા.
ઉલ્લેખનીય છે કે, ગાંધીબાગના આ સંપમાં અવાર-નવાર ખામીઓ સર્જાય છે અને પાણી વિતરણ વ્યવસ્થા ઠપ્પ બનતા સ્થાનિકોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી આ વિસ્તારના લોકોએ માગ કરી છે.