પાટણ: રેલવે ફાટક બંધ કરીને તેની જગ્યાએ આ સ્થળથી અઢી કિલોમીટર દુર અંડર પાસ આપવાની વાત રેલવે વિભાગ દ્વારા કરવામાં આવતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી. આ મુદ્દે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને રહીશોએ ફાટક પર પહોંચી વહીવટી તંત્રને અને રેલવે વિભાગના સામે દેખાવ કર્યા હતા અને આ સ્થળ ઉપર જ અંડર બ્રિજ આપવાની માંગ બુલંદ કરી હતી. આ સ્થળે અંડર બ્રિજ આપવામાં નહીં આવે તો રેલ રોકો આંદોલનની પણ ચીમકી સ્થાનિક રહીશો દ્વારા આપવામાં આવી છે.
સતત ધમધમતો વિસ્તાર: પાટણ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખાલકશા પીરથી સુજનીપુર ચોરમારપુરાને જોડતા માર્ગ પર સોસાયટીઓ સહિત અન્ય રહેણાંક મકાનોમાં ઘણા વર્ષોથી લોકો વસવાટ કરે છે. આશરે 10 વર્ષના સમયગાળામાં ખાલકશાપીર વિસ્તારમાંથી પસાર થતી રેલવે ફાટક બહાર 7 જેટલી સોસાયટીઓ આવેલી છે. જેમાં 500થી વધુ મકાનોમાં આશરે 7 હજાર જેટલા પરીવારો વસવાટ કરે છે. દિવસ દરમ્યાન ખાલકશાપીર નજીકથી પસાર થતી કાંસા ભીલડી બ્રોડગેજ રેલ્વેલાઇનની ફાટક નંબર 42 સી પરથી નાના મોટા અનેક વાહનો સહિત આસપાસના સ્થાનિક રહીશોની સતત અવરજવર રહેતી હોય છે.
ખેડૂતોને ખેતપેદાશો લઈ જવી ખર્ચાળ બનશે: આ ફાટક બંધ કરીને સૂર્યનગર પાસે અન્ડર બ્રીજ બનાવી આપવામાં આવે તો આ વિસ્તારમાં આવેલી સાત જેટલી સોસાયટીના રહીશોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. જેમ કે અવર જવર માટે રસ્તો બંધ થાય તો વિદ્યાર્થીઓ સોસાયટીઓના રહીશો તેમજ ખેડૂતોને અઢી કિલો મીટર જેટલું અંતર કાપીને શહેરમાં શહેરમાં આવવાની ફરજ પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો આ ફાટક બંધ કરી દેવામાં આવે તો આ સોસાયટીના રહીશોને આર્થિક બોજો પણ સહન કરવો પડશે તો બીજી તરફ ખેડૂતોને પણ પોતાના ખેતરોમાંથી ખેત ઉત્પાદનનો માલ બજારોમાં વેચાણ માટે લઈ જવો પણ ખર્ચાળ બનશ. એટલું જ નહીં ઇમરજન્સી સમયે બીમાર માણસને સારવાર અર્થે 108 કે અન્ય ખાનગી વાહનો મારફતે લઈ જવામાં પણ અનેક મુશ્કેલીઓ વેચવી પડશે.
ગામડાથી શહેરને જોડતો માર્ગ બંધ થશે: ખલકશાપીર નજીક આવેલી 42 સી રેલવે ફાટક પાસે અંડર બ્રિજ બનાવવામાં નહીં આવે તો સોસાયટીના રહીશો તેમ જ ખેડૂતો દ્વારા આગામી સમયમાં રેલ રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.