પાટણ : શહેરના રખતાવાડામાં ગત રોજ 30 વર્ષીય મહિલાને સારવાર અર્થે ધારપુર લઈ જવામાં આવી હતી, જ્યાં તેનો કોરોના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યું હતું. આ દરમિયાન રિપોર્ટ આવે તે પહેલા જ ગણતરીના કલાકોમાં તેનું મોત નીપજ્યું હતું અને બાદમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી હતી.
આ ઘટના જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને પોલીસની ટીમે દોડી આવી હતી અને સમગ્ર વિસ્તાર સેનેટાઈઝ કરી સીલ કર્યો હતો. જ્યારે મૃતક મહિલાની મોડી રાતે દફનવિધિ કરવામાં આવી હતી, ત્યારબાદ તેના પતિ, પુત્ર સહીત નજીકના આઠ લોકોને કુણઘેર ખાતે ફેસિલીટી કોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
જેઓના સરકારની ગાઈડલાઈન મુજબ ટેસ્ટ કરવામાં આવશે. કોરોના સંક્રમણ શહેરમાં ફેલાય નહીં તે માટે આરોગ્યની ટીમો દ્વારા આ બન્ને મહોલ્લાઉપર ચાંપતી નજર રાખી રોજેરોજ સર્વેલન્સની કામગીરી કરવામાં આવશે. તેમજ બંને મહોલ્લાના લોકોની અવરજવર પર 28 દિવસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રખતાવાડાના 98 મકાનોમાં 650 લોકો રહે છે, જ્યારે કંદોઈની શેરીના 35 મકાનોમાં 175 લોકો રહે છે, આ બંને મહોલ્લાના 133 મકાનોના 825 લોકોને કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.
આરોગ્ય તંત્રએ તકેદારીના ભાગરૂપે રખતાવાડાની આસપાસ આવેલા ઈકબાલ ચોક રોડ, લખીયારવાડો મોટો મોમદીવાડો, મુલ્લા બાકરની શેરી, વાણીયાવાડ, કાજીની હવેલી,અજીતનાથની પોળ, ગોલવાડ,રાજકાવાડો સહીતમળી નવ મહોલ્લા પોળોને બફર જોન જાહેર કર્યો છે.