પાટણ : સરકારના જાહેર ક્ષેત્રની વિવિધ સેવાઓ વર્ષોથી લોકોના ઘર સુધી પહોંચાડતી ભારતીય ટપાલ વિભાગ દ્વારા રક્ષાબંધન પર્વને અનુલક્ષી રાજ્યની તમામ પોસ્ટ ઓફિસોમાં સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યા છે. જે અનુસંધાને પાટણ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેન પોતાના ભાઈને રાખડી મોકલી શકે તે માટે રાખી સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યો છે.
આ સ્ટોલમાં પોસ્ટ વિભાગ દ્વારા સ્પેશિયલ કવર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. તો સાથે સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પીડ પોસ્ટની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. રજીસ્ટર એડી તેમજ ઓર્ડિનરી સર્વિસ દ્વારા રાખડી મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાટણ હેડ પોસ્ટ ઓફિસ દ્વારા કાર્યરત કરાયેલા આ સ્ટોલનો બહેનો તેમજ અન્ય નાગરિકો લાભ લઇ રહ્યા છે.
શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને ભારતીય ટપાલ વિભાગ દ્વારા ઘર ઘર સુધી ગંગાજળ પહોંચાડવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાઈ છે. સરકાર દ્વારા પવિત્ર ગંગાજળ યોજના વિભાગ અંતર્ગત ટપાલ વિભાગ દ્વારા રૂપિયા 30ની નજીવી કિંમતે ગંગાજળની બોટલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.અત્યાર સુધીમાં પાટણની મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા 1500 થી વધુ ગંગાજળની બોટલનું વેચાણ કરવામાં આવ્યું છે.