પાટણઃ પાટણ શહેરમાં વરસેલા ચાર ઈંચ વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો કેટલીક જગ્યાએ માર્ગોનુ ધોવાણ થતાં વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવી પડી હતી.
હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ શહેર સહિત પંથકમાં સાર્વત્રિક મેઘમહેર થતા ચોમાસાનો માહોલ સર્જાયો છે. રવિવારે બપોરથી પાટણ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. પાટણમાં ચાર ઈંચ વરસાદ નોંધાતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતા અવરજવર માટેનો રસ્તો બંધ થયો હતો, જેથી લોકો અટવાયા હતા. તો બીજી તરફ છીંડીયા દરવાજા પાસે વરસાદને કારણે માર્ગનું ધોવાણ થતાં અહીંથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી.
જિલ્લામાં બે દિવસથી મેઘમહેર થતાં ખેતી પાકને જીવતદાન મળ્યું છે. પાટણમાં ચાર ઇંચ વરસાદ, સિદ્ધપુર અને રાધનપુરમાં 3 ઈંચ, સમી અને હારિજમાં 2 ઈંચ તેમજ ચાણસ્મા તાલુકામાં ૧ ઇંચ વરસાદ નોંધાયો છે.