પાટણઃ બીજા તબક્કાના લોકડાઉન દરમિયાન કેન્દ્ર સરકારના ગૃહ વિભાગની સુચના અનુસાર રાજય સરકારે હોટ સ્પોટ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં શરતોને આધીન દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરતા તેને અનુલક્ષીને પાટણ શહેરમાં વેપારીઓ દ્વારા દુકાનો ખુલ્લી રાખી છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો બિન જરુરી રીતે બહાર નીકળી રહ્યાં છે. ત્યારે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ પોતે બગવાડા દરવાજા ખાતે ઉભા રહીને આવતા-જતા વાહનોનું ચેકિંગ કર્યું હતું અને જરૂરી કારણો દર્શાવતા કેટલાક લોકોને જવાબ પણ દીધા હતા.
પરંતુ બિનજરૂરી રીતે નીકળતા વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. સરકાર દ્વારા આપવામા આવેલી છુટછાટમાં રીક્ષાઓને વહન કરવાની પરમિશન ન હોવાથી કેટલીક રીક્ષાઓને પણ ડીટેઈન કરવામાં આવી હતી.
લોકડાઉન દરમિયાન શહેર સહીત જિલ્લામાં પોલિસે દોઢ હજાર એફઆઈઆર કરી છે. 2,500 લોકોની અટકાયત કરી છે. અઢી હજારથી વધુ વાહનો ડીટેઈન કર્યા હતા. ઉપરાંત જે વાહનો બિનજરુરી રીતે બહાર નીકળે છે તેવા વાહનો ઉપર એનપીઆર કેમેરા દ્રારા કેશ કરવામાં આવી રહ્યાં છે. શહેરીજનોને કામ સિવાય બહાર ન નીકળવા જિલ્લા પોલિસ અધિક્ષક દ્રારા અપીલ કરવામાં આવી છે.