પાટણઃ શહેરના સિદ્ધપુર હાઇવે માર્ગ પર બનાવવામાં આવેલા હંગામી બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાતા પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. હંગામી બસ સ્ટેન્ડમાં સામાન્ય વરસાદ પડતાં જ ઘૂંટણડૂબ પાણી ભરાઈ જાય છે, જેના કારણે પ્લેટફોર્મ ઉપર ઉભી રહેતી બસોમાં પ્રવાસીઓને આ પાણીમાંથી પસાર થઈને બસમાં ચડવું પડે છે. સમગ્ર બસ સ્ટેન્ડ પાણીથી તરબતર હોય છે.
શહેરમાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદને કારણે એસટી ડેપો બેટમાં ફેરવાયું છે. જેને લઇ બસ સ્ટેન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાય છે. દુર્ગંધથી પણ પ્રવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
કોરોના મહામારીમાં પણ પ્રવાસીઓની અવરજવર વાળા એસ.ટી.બસ સ્ટેન્ડ જેવા સાર્વજનિક સ્થળની આવી હાલત હોવા છતાં જિલ્લા વહીવટી તંત્ર કે એસટી વિભાગ દ્વારા આ સમસ્યા ઉકેલવામાં આવી નથી.
જેથી પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હંગામી બસ સ્ટેશનમાં સર્જાતી આ સમસ્યાના ઉકેલ માટે શહેરના રાજકીય આગેવાનો અને વહીવટી તંત્રના અધિકારીઓ આગળ આવે એવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે.