પાટણ: શહેર સહિત જિલ્લામાં વરસાદ પડતાં ખેડૂતોમાં ડરનો માહોલ સર્જાયો છે. સાંતલપુર અને સરસ્વતી પંથકમાં કમોસમી વરસાદ બાદ સાંજના સુમારે સમી શખેશ્વર પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. પાટણ પંથકમાં વાવાઝોડા સાથે ભારે પવનો અને ધૂળની ડમરીઓ ઉડતા વાતાવરણ ધૂંધળું થયું હતું જેથી જનજીવન પ્રભાવિત બન્યું હતું. જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ઉભા પાકો અને તૈયાર થયેલા પાકોને ભારે નુકસાન થતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
જનજીવન પ્રભાવિત: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે પાટણ જિલ્લાનું વાતાવરણ વાદળછાયુ બન્યું હતું. ગતરોજ રાત્રિના સમયે સાંતલપુર અને સરસ્વતી તાલુકામાં કમોસમી વરસાદ બાદ આજે સાંજના સુમારે સમી શંખેશ્વર તાલુકામાં કરા સાથે વરસાદી ઝાપટું પડયુ હતું. જ્યારે પાટણ શહેર સહિત પંથકમાં તેજ પવનો સાથે વાવાઝોડું ફૂંકાતા થોડીવાર માટે હાઈવે સહિત શહેરમાં વાહન વ્યવહાર થંભી ગયો હતો. ભારે પવનને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં વીજળી પુરવઠો પણ ખોરવાયો હતો. ધૂળની ડમરીઓ ઉડતા વાતાવરણ ધૂંધળું બનતા જનજીવન પણ પ્રભાવિત બન્યું હતું. પાટણ હાઈવે પરના કેટલાક હોડિંગ્સો વાવાઝોડાને કારણે ઉડ્યા હતા તો સાઈબાબા ત્રણ રસ્તા નજીક ધંધાર્થીનું કેબિન પણ હવામાં ફંગોળાયું હતું. આ ઉપરાંત નાના ધંધાર્થીઓની ચીજ વસ્તુઓ પણ હવામાં ઉડી હતી.
આ પણ વાંચો: Gujarat Unseasonal Rain: આદિવાસીઓ માટે મહત્વના હોળીના હાટ બજારમાં વંટોળીયા વરસાદનું વિઘ્ન
ખેડૂતોને ભારે ફટકો: સમી શંખેશ્વર પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો જેને કારણે કપાસ રાઈડો જીરું દિવેલા ઘઉં ચણા અને તમાકુના પાકોને ભારે નુકસાન થયું હતું. કેટલાક ખેતરોમાં પાક તૈયાર થઈ જતા કાપણી અને વાવણી ચાલુ હોવાથી ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. વીજળી પડતા જીરાનો પાક ખાખ થયો હતો.
આ પણ વાંચો: Unseasonal Rain: કમોસમી વરસાદ ખેડૂતો માટે બન્યો વિલન, હવે સરકાર પાસે આશા
60 મણ જીરાનો પાક બળી ગયો: ગત રાત્રે સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામના ખેડૂત પાંચાભાઇ આહીરના ખેતરમાં તૈયાર જીરાના વાઢેલા પાકના ઢગલા ઉપર વીજળી પડતા 60 મણ જીરાનો પાક બળી ગયો હતો તો સરસ્વતી પંથકમાં કમો સમી વરસાદ અને વાવાઝોડાને કારણે ખેતરોમાં ઉભેલા દિવેલા અને તમાકુનો પાક ઢળી પડ્યો હતો જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતો ભારે ચિંતિત બન્યા છે