પાટણઃ યુનિવર્સીટી દ્વારા લેવાયેલા ક્લાર્ક, ટાઇપીસ્ટ અને પીએ ટુ રજીસ્ટ્રાર સહિતની પરીક્ષાને લઈ પાટણ કોંગ્રેસ ધારાસભ્ય ડો.કિરીટ પટેલ દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. યુનિવર્સીટી દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરવાની સાથે સાથે પરીક્ષાનું પરિણામ પણ ઓનલાઈન મૂકવામા આવ્યું ન હોઈ અને ક્યાંકને ક્યાંક શંકા ઉપજાવનારી બાબતને લઈ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્ય પ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે. જેના પગલે યુનિવર્સિટીના વી.સીને સરકારનુ તેડુ આવ્યુ અને ગાંધીનગર બોલાવાયા છે.
બીજી તરફ સિલેક્શન થયેલા ઉમેદવારોને ઓર્ડર આપવાની કારોબારીની સમિતિ મળવાની હતી. જોકે તે પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. ધારાસભ્ય કિરીટ પટેલના આરોપોને યુનિવર્સિટી રજીસ્ટ્રાર ડી.એમ.પટેલે વખોડયા છે અને કહ્યું કે, ભરતી પ્રક્રિયામાં કોઈ ભ્રષ્ટાચાર કે ગેરરીતિ થઈ નથી અને કુલપતિ જે.જે.વોરા ક્યાં ગયા છે. તેની હાલમાં યુનિવર્સિટીને ખબર નથી તેમ જણાવ્યું હતું.