શાળા-કોલેજમાં દિવાળી વેકેશન શરૂ થતાંની સાથે જ વિદ્યાર્થીઓ અભ્યાસ સિવાયની અન્ય પ્રવૃત્તિ તરફ વળતા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમનું પાલન કરે અને રજાનો સદ્ઉપયોગ કરી સરળતાથી લર્નિંગ લાયસન્સ મેળવી શકે તે માટે પાટણની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી(RTO) દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
લર્નિંગ લાયસન્સ મેળવવા માટે પાટણ જિલ્લાની શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ આગામી 16 નવેમ્બર સુધીમાં www.parivahan.gov.in વેબસાઈટ પર ઑનલાઈન અરજી કરી અને ઑનલાઈન ફી ભરવી પડશે. સબંધિત કોલેજનું આઈકાર્ડ તથા ઑનલાઈન અરજી માટે જરૂરી દસ્તાવેજો કચેરીના ચાલુ દિવસો દરમિયાન બપોરના 4 વાગ્યાથી 5 વાગ્યા સુધીના સમયગાળામાં જમા કરાવવાથી લર્નિંગ લાયસન્સ ટેસ્ટ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉપરાંત જિલ્લાની શાળા કે કોલેજ દ્વારા પોતાના વિદ્યાર્થીઓને એક સાથે લર્નિંગ લાયસન્સ મળી રહે તે માટે RTO કચેરી ખાતે અરજી કરવાથી વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે.