● પાટણમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો
● વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
● પ્રથમ વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી
● વરસાદને લઇ ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ
પાટણ: ગુજરાતમાં ચોમાસાના આગમન બાદ પાટણ પંથક કોરો રહ્યો હતો. ત્યારે શુક્રવારે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને આકાશમાં કાળાડિબાંગ વાદળો ધસી આવ્યા હતા અને ધોધમાર વરસાદ વરસતા પ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. સતત પડી રહેલા પાણીના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જાહેર માર્ગો ઉપર પણ પાણી ફરી વળ્યાં હતા અને વરસાદથી પાટણ પંથકમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઇ હોય તેવું ચિત્ર જોવા મળ્યું હતું. પાટણ ઉપરાંત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેહુલિયો મન મૂકીને વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમી અને અસહ્ય ઉકળાટથી રાહત મળી હતી.
આ પણ વાંચો: પાટણ શહેરમાં વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
જિલ્લાના અન્ય તાલુકાઓમાં કોરા રહ્યા
પાટણ શહેરમાં પ્રથમ વરસાદે જ નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી હતી. શહેરના નીલમ સિનેમા, બુકકડી, રાજકાવાડો, સાલવીવાડા વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. પાટણ તાલુકામા પાટણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે સરસ્વતી તાલુકામાં 27 MM અને ચનસમમાં 2 MM વરસાદ નોંધાયો હતો. તો જિલ્લાના અન્ય તાલુકાઓ કોરા રહ્યા હતા.