- રાધનપુરમાં ઘરફોડ ચોરી કરનારા ઈસમની ફૂટ પ્રિન્ટના આધારે ધરપકડ
- પોલીસે ચોરીના 3 ગુનાઓનો ભેદ ઉકેલ્યો
- પાટણમાં ફુન્ની દુકાનમાં ચોરી કરનારા ઈસમની ગણતરીના કલાકોમાં ધરપકડપાટણ પોલીસે 3 ચોરીનો ભેદ ઉકેલ્યો
પાટણઃ જિલ્લાના રાધનપુરમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ગુનેગારની પોલીસે ફૂટ પ્રિન્ટના આધારે ધરપકડ કરી છે. પોલીસના પેટ્રોલિંગ દરમિયાન એક સગીર પર પોલીસને આશંકા ગઈ હતી. જેથી પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આ સગીર આરોપી ઘરફોડ ચોરી, મોબાઇલ ચોરી, રિક્ષાચોરી, રિક્ષાના ટાયરની ચોરી, એમ્પ્લીફાયર ચોરી સહિતની અનેક લૂંટમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે CCTV ફૂટેજની મદદથી આરોપીની ધરપકડ કરી
પાટણ શહેરના ચતુર્ભુજ બાગ નજીક આવેલા જયશ્રી ફૂટવેર નામની દુકાનના શટરના તાળા તોડી 222 જોડી બુટ, ચંપલ મળી કુલ 44,460ની ચોરી કરનારા શૈલેષજી ઠાકોરની પોલીસે CCTV ફૂટેજના આધારે શહેરના પીતાંબર તળાવ નજીકથી ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે આરોપી પાસેથી 42,055ની કિંમતના કુલ 207 જોડી બુટ ચંપલ તથા 30,000ની રિક્ષા મળી કુલ 72,055નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સિદ્ધપુર સ્મશાનમાંથી પાઇપ ચોરનારા ઇસમની ધરપકડ
સિદ્ધપુરના સ્મશાનગૃહમાંથી લોખંડની પાઈપોની ચોરી કરતા 1 ચોરની પણ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ તમામ ગુનેગારો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.