પાટણ : રાધનપુર ડેપોની રાધનપુર સોમનાથ રૂટની બસ ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા મુસાફરોના જીવ તાળવે ચોટ્યાં હતાં.જોકે હાર્ટ એટેકની પીડા વેઠીને પણ બસ ડ્રાઇવરે એસટી બસમાં સવાર ચાલકોને લઇને હેમખેમ રીતે બસને એસટી ડેપોમાં પહોંચાડી હતી. જ્યારે ડ્રાઇવર ભારમલભાઈ આહીરને તાત્કાલિક સારવાર માટે રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં પરંતુ સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું.
સોમનાથથી રાધનપુર આવતી હતી એસટી બસ : સમગ્ર ગુજરાતમાં હાર્ટ એટેકથી આકસ્મિક મોતના બનાવોમાં ઉત્તરોત્તર ચિંતાજનક વધારો થઇ રહ્યો છે ત્યારે આજે હાર્ટ એટેકથી વધુ એક મોતની ઘટના રાધનપુરમાં બની છે. રાધનપુર એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા બાવરડા ગામના ભારમલભાઈ આહીર રાધનપુર સોમનાથ રૂટની બસ લઈને ગયા હતા અને સોમનાથથી બસ લઈને પરત રાધનપુર તરફ આવી રહ્યા હતા. ત્યારે રાધનપુરથી એક કિલોમીટર દૂરના અંતરે એકાએક તેઓની તબિયત લથડી હતી.
આ પણ વાંચો Youth Heart Attack : રાજ્યમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત્, સેવામાં જોડાયેલા યુવકને આવ્યો એટેક
બસ ડ્રાયવરને ચાલુ બસે હાર્ટ એટેક : ડ્રાઇવર ભારમલભાઈ આહીરે તબિયત લથડવા છતાં મક્કમતા રાખી હિંમતપૂર્વક મુસાફરોના હિતમાં બસને સહીસલામત રીતે રાધનપુર એસટી ડેપોમાં પહોંચાડી હતી. એસટી ડેપોમાં બસ પહોંચ્યા બાદ તેઓને છાતીમાં વધુ દુખાવો ઉપડ્યો હતો. તેથી એસટીના કર્મચારીઓ તાત્કાલિક રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતાં. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત થતા એસટી કર્મચારીઓમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આમ પ્રવાસીઓને હેમખેમ રાખી મોતની સોડ તાણી હતી. એસટી ચાલકના આકસ્મિક મોતથી પરિવારજનોમાં ભારે ગમગીની સાથે શોક છવાયો હતો.
હાર્ટ એટેકથી થતા મોતને લઈને ફફડાટ : પાટણ જિલ્લામાં છેલ્લા બે મહિનામાં હાર્ટ અટેકથી મોત થવાની અનેક ઘટનાઓ સામે આવી છે. અત્યાર સુધી પાંચ તંદુરસ્ત વ્યક્તિઓના એકાએક હાર્ટ બંધ પડી જતા મોત નીપજયાની ઘટનાઓ સામે આવી છે. અગાઉ પાટણ શહેરમાં બે પાટીદાર સગાભાઇઓના હાર્ટ અટેક થી એકસાથે મોત થયા હતા. તો હારીજમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકને ચાલુ ફરજ દરમિયાન હાર્ટ એટેક આવવાથી તેમનું પણ મોત નીપજ્યું હતું. ત્યારે આજે વધુ એક ઉમેરો થતા જિલ્લાવાસીઓમાં આકસ્મિક મોતને લઈને ભારે ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો Surat News : યુવા અવસ્થામાં હાર્ટ અટેકથી બચવા માટે માત્ર આટલું કરો
પરિવારે આધાર સ્તંભ ગુમાવ્યો : મુસાફરો ભરેલી એસટી બસના ચાલકને એકાએક હાર્ટ એટેક આવતા તેમણે પોતાના જીવની પરવા કર્યા વિના મુસાફરોની સલામતીને પ્રાધાન્ય આપી એસટી બસને ડેપોમાં પહોંચાડી હતી. આમ મુસાફરોના જીવ બચાવી પોતે મોતની નિંદ્રામાં સદાય માટે સૂઈ ગયા હતાં. એસટી ચાલકના આકસ્મિક મોતથી તેમના પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો છે.