પાટણઃ સમગ્ર પંથકના ખેડૂતો અત્યારે રવિ સીઝનના પાકની ખેતી કરી રહ્યા છે. જેમાં રાયડો, જીરુ, એરંડા, ઘઉં જેવા પાકો મુખ્ય છે. આ પાકના વાવેતર બાદ ખેડૂતોને ડીએપી ખાતરની જરુર પડી છે. જો કે સમગ્ર પાટણ જિલ્લામાં ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. રાસાયણિક ખાતરની વિતરણ પોલીસીમાં સરકારની પણ અનેક ત્રુટિઓ બહાર આવી છે. ખેડૂતોમાં રાસાયણિક ખાતરની યોગ્ય વિતરણ વ્યવસ્થાના અભાવે નારાજગી જોવા મળી રહી છે.
વહેલી સવારથી જ લાઈન લાગીઃ પાટણ એપીએમસી, ખાતર ડેપો અને સહકારી મંડળીઓ પર વહેલી સવારથી ખાતર લેવા માટે ખેડૂતોએ લાઈનો લગાવી છે. ખેડૂતોને ઘણા કલાકો લાઈનમાં વીતાવ્યા બાદ પણ પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહ્યું નથી. એક આધારકાર્ડ પર ખેડૂતને ખાતરની માત્ર ત્રણ બેગ મળે છે. જે એક વિઘા માટે પણ પૂરતી નથી. 5થી 10 વિઘા વાવેતર કર્યુ હોય તે ખેડૂતો કફોડી દશામાં મુકાઈ ગયા છે. ખેડૂતોને 12થી 15 રાસાયણિક ખાતરની જરુર હોય તેની સામે માત્ર ત્રણ બેગ મળે તે યોગ્ય નથી. સરકારે પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તેવી વ્યાપક માંગણી ઉઠી છે.
અમે વહેલી સવારથી લાઈનમાં ઊભા છીએ. જો કે ખાતર ક્યારે મળે તે નક્કી નથી. ખાતરની દર વર્ષે સીઝનમાં જ શોર્ટેજ જોવા મળે છે. સરકારે આ સમસ્યાના નિવારણ માટે નક્કર પગલા લેવા જોઈએ...મોબતસિંહ રાજપૂત(ખેડૂત, પાટણ)
અમને એક આધારકાર્ડ પર માત્ર ત્રણ થેલી ખાતર મળે છે. જે કોઈ રીતે પહોંચી વળે તેમ નથી. ત્રણ થેલી ખાતર તો એક વીઘામાં વપરાઈ જાય છે. અમે 5થી 10 વિઘામાં વાવેતર કર્યુ હોય તેથી અમારે વધુ ખાતરની જરુર છે. અમે વહેલી સવારથી ખાતર લેવા માટે લાઈનમાં ઊભા છીએ, પણ ખાતર મળે તે નક્કી નથી...ભરત રબારી(ખેડૂત, પાટણ)