પાટણ: ખાતે જિલ્લા પંચાયત કચેરીમાં જ સમાજ કલ્યાણ નિરીક્ષક સુનિલકુમાર ખોડાભાઈ ચૌધરી ફરીયાદી પાસેથી મકાન સહાયના ત્રીજા હપ્તાના ચેક પેટે રૂપિયા.5 હજારની લાંચ લેતા એસીબી પાટણના સાણસામાં આબાદ રીતે ઝડપાઈ ગયા હતા. વર્ગ -3 ના કર્મચારી લાંચ લેતા ઝડપાયાની વાત વાયુવેગે પ્રસરતા જિલ્લા પંચાયતમાં અન્ય કર્મચારીઓમાં હડકંપ સાથે સન્નાટો છવાયો હતો.
માંગી હતી લાંચ: પ્રાપ્ત વિગતો મુજબ પાટણ જિલ્લા પંચાયતમાં સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ -3 તરીકે ફરજ બજાવતા સુનિલકુમાર ખોડાભાઇ ચૌધરીએ ફરીયાદી પાસે ડો.બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના હેઠળ મકાન સહાયના ત્રીજા હપ્તાના ચેક જમા કરાવવાના અવેજ પેટે રૂપિયા.5 હજારની લાંચની માંગણી કરી હતી. લાંચની આ રકમ ફરીયાદી આપવા માંગતો ન હોય તેણે પાટણ એસીબીનો સંપર્ક કર્યો હતો. દરમ્યાન એસીબી બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવીઝન હેઠળ પાટણ એસીબી પી.આઇ. જે.પી.સોલંકીએ છટકુ ગોઠવ્યુ હતું.
"જિલ્લા પંચાયતમાં સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3 ના કર્મચારીએ લાભાર્થી પાસે મકાન સહાયના ચેક જમા કરવા બાબતે 5000 ની લાંચની માંગણી કરી હતી તે સંદર્ભે લાભાર્થીએ એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો અને સગળી હકીકત જણાવતા અમોએ છટકું ગોઠવી જિલ્લા પંચાયતના સમાજ કલ્યાણ નિરીક્ષક ને રંગે હાથ ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે"--જે.પી. સોલંકી (એસીબી પી આઈ)
લાંચિયા અધિકારી: જે મુજબ ફરીયાદી સાથે વાતચીત કરી રૂપિયા.પાંચ હજાર લાંચની માંગણી કરી તે રકમ જિલ્લા પંચાયત કચેરીમાં સ્વીકારતા સુનિલ ચૌધરી રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જેઓની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પંચાયતમાં સમાજ કલ્યાણ નિરીક્ષક લાંચ લેતા રંગે હાથ ઝડપતા જિલ્લા પંચાયતમાં સન્નાટો મચી ગયો તો સાથે જ અન્ય લાંચિયા અધિકારી કર્મચારીઓમાં ફાફડાટ ફેલાયો છે.