પાટણઃ શહેરના યુવાને સગપણ બાદ યુવતીને વિશ્વાસમાં લઈ તેનો ભૂતકાળ જાણી લીધો હતો. ભૂતકાળ જાણી લીધા બાદ યુવકે પોત પ્રકાશ્યું અને સગાઈ તોડવાની ધમકીઓ આપી. યુવતી માથે આભ તૂટી પડ્યું. તેણી માનસિક રીતે પડી ભાંગી. ડિપ્રેશનમાં આવી જઈને નબળી ક્ષણે યુવતીએ મોતને વ્હાલું કર્યું હતું. યુવતીના ભાઈએ ફરિયાદ નોંધાવતા બી ડી ડિવિઝન પોલીસે યુવકની ધરપકડ કરી જેલ હોવાલે કર્યો છે.
સમગ્ર ઘટનાક્રમઃ મૂળ ચાણસ્માના વતની અને હાલ પાટણ રહેતા ડોડીયા કરણ દિનેશભાઈની સગાઈ હાંસાપુર રહેતી 24 વર્ષે યુવતી સાથે થઈ હતી. સગાઈ બાદ બંનેની અવારનવાર મુલાકાતો થતી. આ યુવક લગ્ન તેની સાથે જ કરશે તેવો વિશ્વાસ આપતો અને શારીરિક સંબંધ પણ બાંધતો. યુવતીને યુવક પર સંપૂર્ણ ભરોસો હોવાથી તેણીએ ભૂતકાળના પ્રેમ સંબંધ વિશે જણાવી દીધું હતું. એકવાર ભૂતકાળ જાણી લીધા બાદ યુવકે પોત પ્રકાશ્યું હતું. તેણે બંને પરિવારોને યુવતીના ભૂતકાળ વિશે જણાવી દઈને સગાઈ તોડી નાંખવાની વાત કરી હતી. યુવકની આ ધમકીથી યુવતી પર વજ્રપાત થયો હતો. તેણી આ આઘાત જીરવી ન શકી. યુવતીએ સામાજિક ડરના પરિણામે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવાર દરમિયાન યુવતીનું મૃત્યુ થયું છે.
યુવક અને યુવતીની સગાઈ થઈ હતી.બંને જણા વાતોચીતો કરતા હતા. દરમિયાન બંનેએ પોતપોતાના ભૂતકાળ વિશેની વાતો એકબીજાને જણાવી હતી. જેમાં યુવતીના ભૂતકાળને લઈને યુવક અને યુવતી વચ્ચે બોલાચાલી થઈ હતી. યુવતીને લાગી આવતા તેને ઝેરી દવા પીધી હતી. જેને સારવાર માટે પ્રથમ પાટણ ત્યારબાદ અમદાવાદ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે જીવ નહી બચે તેવું જણાવતા યુવતીએ સમગ્ર ઘટનાક્રમ સ્યુસાઈડ નોટના સ્વરૂપે લખ્યો હતો. સ્યુસાઈડ નોટ બારમાની વિધિ પૂર્ણ થયા પછી પરિવારજનોને આપવાની સૂચના પોતાના ભાઈને આપી હતી...નિશા લોઢા(PSI, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, પાટણ)
સ્યુસાઈડ નોટ મહત્વનો પુરાવોઃ સારવાર દરમિયાન યુવતીએ આ સમગ્ર હકીકત તેના ભાઈને જણાવી દીધી હતી. યુવતીએ ભાઈને જે માહિતી આપી તેની નોંધ પણ લખી હતી. સારવાર દરમિયાન યુવતી નું મૃત્યુ થયું. ત્યારબાદ ભાઈએ આ સ્યુસાઈડ નોટના આધારે યુવક વિરૂદ્ધ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે સત્વરે FIR નોંધીને આ યુવકની ધરપકડ કરી લીધી છે.