પાટણ: સિદ્ધપુરમાં પાણીની પાઇપલાઇનમાંથી માનવ અવશેષો મળી આવ્યા હતા. જેનો પીએમ રિપોર્ટ આજે સામે આવ્યો છે. જે અંગે પાટણ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી કે, પીએમ રિપોર્ટ આધારે માનવ અવશેષો 21થી 40 વર્ષની યુવતીના છે. શરીરના કોઈપણ અંગ ઉપર મારવાના કે બોથડ પદાર્થના નિશાનો મળ્યા નથી. મૃતદેહની ઓળખ વિધિબીએની રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
હત્યાની આશકની ચર્ચાઓ પર પૂર્ણ વિરામ: સિદ્ધપુર ખાતે પીવાના પાણીની પાઇપલાઇનમાંથી મૃતદેહના મળી આવેલા વિવિધ અંગોના ભેદ - ભરમ ભરેલા બનાવ પરથી આજે પોલીસે પડદો ઉંચકી પી.એમ. રીપોર્ટ જાહેર કર્યો હતો. ઘટસ્ફોટ કર્યો હતો કે, મળી આવેલા મૃતદેહના અંગો યુવતીના છે પણ તેની હત્યા કરવામાં આવી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. મરતા પહેલા શરીર ઉપર કોઇ જ ઇજાના નિશાન પી.એમ. રીપોર્ટમાં આવ્યા નથી . પેનલ તબીબોના અભિપ્રાય મુજબ યુવતીના મોત બાદ મૃતદેહ પાણીની પાઈપલાઈનમાં ફોગાઇ , કોહવાઇ જવાથી પાઇપમાં અથડાવાથી શરીરના અંગો છુટા પડી ગયા હોવા જોઇએ જો કે આ સમગ્ર ઘટના ક્રમમાં મૃતદેહના અંગો ગુમ યુવી લવિનાબેન દિનેશકુમાર હરવાણીના જ છે તે ડી.એન.એ. રીપોર્ટ બાદ જ ખબર પડશે.
હત્યાની આશંકાની ચાલતી ચર્ચાઓ: પી.એમ. રીપોર્ટ જાહેર થતાં સિદ્ધપુર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી હત્યાની આશંકાની ચાલતી ચર્ચાઓ ઉપર પૂર્ણ વિરામ મુકાયું છે. સિદ્ધપુર શહેરમાં પાણીની પાઇપલાઇનમાંથી મૃતદેહના અંગો મળી આવ્યા હતા જેને લઇ ભારે ચકચાર સાથે ઉત્તેજના ફેલાઇ હતી અને હત્યા કે આત્મહત્યાને લઇ રહસ્ય ઘુંટાયુ હતું . પોલીસે આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ માનવ અંગો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તબીબોની પેનલને ફોરેન્સીક પી.એમ. માટે મોકલી આપ્યા હતા.
માનવ અંગો પાણીમાં વારંવાર અથડાવવાથી છુટા થયા: આ ફોરેન્સીક પી.એમ. રીપોર્ટ આવતા પાટણ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલે સિધ્ધપુર ખાતે પત્રકાર પરીષદ યોજી જણાવ્યું હતું કે , પી.એમ. રીપોર્ટ મુજબ માનવ અંગો ઉપર મૃત્યુ પહેલા કોઇ જાતની ઇજા જણાયેલ નથી . તિક્ષ્ણ હથિયારના ઘા , સાપ કટીંગ , બોથર્ડ પદાર્થની ઇજા કે અંગોના ટુકડા કરવામાં આવ્યા હોય તેં જણાઇ આવેલ નથી . માનવ અવશેષો મૃત્યુ બાદ પાણીમાં પડી રહેવાના કારણે સડવાથી ફોગાઇ ગયા હતા જેથી પાણીના પ્રવાહના વેગથી કે પાઇપલાઇનમાં વારંવાર અથડાવાથી શરીરના સાંધા , ચામડી માંસના લોચા એકબીજાથી છુટા થઇ શકે, સંખ્યાબંધ અસ્થિભંગની ઇજાઓના કારણે પણ અવયવો છુટા પડી શકે .
ગુમ થયેલ લવિના હરવાણીનો દુપટ્ટો: આ માનવ અંગો આશરે ૨૫ થી ૪૦ વર્ષની સ્ત્રીના હોવાનું તબીબોએ જણાવ્યું છે. પી.એમ. રીપોર્ટમાં મૃતદેહના અંગો સ્ત્રીના હોવાના સાબીત થતા અને ગુમ થયેલ લવિના હરવાણીનો દુપટ્ટો , કડો પાઇપલાઇનમાંથી મળી આવતા આ મૃતદેહ તેનોજ હોવાની આશંકા પ્રબળ બની છે . આગામી સોમવાર , મંગળવાર સુધીમાં ડી.એન.એ. રીપોર્ટ આવ્યા બાદ મૃતદેહના અંગોની ઓળખવિધી સ્પષ્ટ થશે . જો કે , પી.એમ. રીપોર્ટ બાદ હત્યાની ચર્ચાઓનો છેદ ઉડી ગયો છે.