પાટણ : પાટણ નજીક આવેલ ધારપુર સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડની સુરક્ષામાં છીડા હોય તેમ તાજેતરમાં એક કેદીએ બાથરૂમમાં આત્મહત્યા કરી હતી. જે બનાવ માનસપટ પરથી ભુલાયો પણ નથી ત્યારે આજે સારવાર માટે દાખલ થયેલ કાચા કામનો કેદી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી છે. અગાઉ પણ આ જ રીતે અન્ય એક કેદી પણ ફરાર થયો હતો ત્યારે આજે ફરી બીજો બનાવ બન્યો છે. પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.
બનાવની પ્રાપ્ત વિગતો : અમદાવાદના લાંભા ખાતે સપના એપાર્ટમેન્ટમાં રહેતા રાકેશ અનિલભાઈ ઠક્કર નામના આરોપીને સમી પોલિસે ઝડપી સમી એડી.ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતા તેને પાટણની સુજનીપુર સબ જેલમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. દરમિયાન સુજનીપુર સબજેલમાં કાચા કામના આ કેદીની તબિયત લથડતા તેને સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે ગતરોજ બપોરના સમયે કેદી વોર્ડમાં ફરજ ઉપર રહેલ બે પોલીસ કર્મચારીઓની નજર ચૂકવી આ રીઢો ગુનેગાર રાકેશ ઠક્કર નાસી છૂટયો હતો. આરોપી નાસી છૂટ્યો હોવાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધારપુર સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા અને તેને ઝડપી પાડવા વિવિધ ટીમો કામે લગાડી હતી.
હોસ્પિટલના કેદી વોર્ડમાંથી આરોપી ફરાર થઈ ગયો છે. જે અંગે પોલીસ તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. ધારપુર હોસ્પિટલના સીસીટીવી કેમેરા ફtટેજોની ચકાસણી કરી નિવેદનો લઈ બાલીસણા પોલીસ મથકે ગુનો નોધી ફરાર આરોપીને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે...કે. કે. પંડ્યા ( પાટણ ડીવાયએસપી )
કેદી વોર્ડમાંથી અવારનવાર કેદીઓ ફરાર : અત્રે ઉલ્લેખનીય છે કે ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી આજે ફરી એકવાર કેદી પોલીસ કર્મચારીઓને ચકમો આપી ફરાર થઈ જતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે. સુજનીપુર સબ જેલમાં રહેલ કેદીઓ સારવારના બહાને ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ થાય છે અને ત્યારબાદ ફરજ પરના પોલીસ કર્મચારીઓને ચકમો આપી નાસી જવાનો આ બીજો બનાવ બનતા કેદી વોર્ડની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે કોઈ ગંભીર ગુનાનો કે આંતરરાજ્ય રીઢો ગુનેગાર સારવારના બહાને હોસ્પિટલમાંથી આ રીતે નાસી જશે તો પોલીસ માટે મોટો પડકાર ઉભો થઈ શકે તેમ છે. ત્યારે ફરી આવા બનાવ ન બને તે માટે ધારપુર સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડની સુરક્ષા કડક કરવામાં આવે તે જરૂરી છે.