પાટણ : બાલીસણા ગામે ગત મોડી રાત્રે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરવા બાબતે બે જૂથ સામસામે આવી ગયા હતા. ઘાતક હથિયારો વડે એકબીજા પર હુમલો કરતા ગામમાં અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાને પગલે પાટણ SP સહિતનો પોલીસ કાફલો બાલીસણા ગામે તાત્કાલિક પહોંચી ગયો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હુમલામાં બંને જૂથના આઠ લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જૂથ અથડામણ : પાટણ જિલ્લાના બાલીસણા ગામે એક યુવક દ્વારા વિવાદાસ્પદ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં હતી. જેને પગલે બંને જૂથો વચ્ચે તકરાર ચાલતી હતી. અંતે બંને પક્ષોના આગેવાનોએ એકઠા થઈ આ મામલે સમાધાન કર્યું હતું. આ દરમિયાન ગત રાત્રે ફરી મામલો ઉગ્ર બન્યો હતો અને મસ્જિદ ચોકમાં બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને ઘાતક હથિયારો વડે હુમલો કરી પથ્થરમારો કરતા ભારે ભાગદોડ અને અપરાત પડી મચી જવા પામી હતી. બંને જૂથના લોકોએ મારક હથિયારો વડે એકબીજા પર હુમલો કરતા આઠ લોકોને ઇજાઓ થવા પામી હતી.
આઠ લોકોને ઈજા : જેઓને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ અને પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ જૂથ અથડામણ મામલે બંને જૂથોએ એકબીજા સામે સામ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે 12 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બલીસણા ગામમાં ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે થયેલ અથડામણને લઈને પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેને લઈને ગામમાં શાંતિ બની રહી છે.
બાલીસણા ગામમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરવા બાબતે મનદુઃખ થતા તે જૂથ અથડામણમાં પરિણમી હતું. બનાવની જાણ થતા જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક સહિતનો કાફલો બાલીસણા ગામમાં દોડી આવ્યો હતો. ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે હાલમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આ જૂથ અથડામણમાં એક જૂથના છ લોકો અને બીજા જૂથના બે લોકો મળી કુલ આઠ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. જેઓને સારવાર અર્થે ખસેડાયા છે. ફરિયાદને આધારે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે. - કે.કે. પંડ્યા (Dysp, પાટણ)
ગામ પોલીસની છાવણીમાં ફેરવાયું : બાલીસણા ગામે ગત રાત્રે બે જૂથો વચ્ચે સર્જાયેલ અથડામણ બાદ પરિસ્થિતિ વધુ વણસે નહીં અને તેના ઘેરા પ્રત્યાઘાતો આસપાસના વિસ્તારોમાં ન પડે તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેને પગલે સમગ્ર ગામ પોલીસની છાવણીમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.