પાટણ: શહેર સહિત જિલ્લામાં ચાલુ વર્ષે 75 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે તંત્રની પોલ વરસાદે ખોલી છે. ખાસ કરીને જિલ્લામાં મોટા ભાગના રોડ રસ્તાઓ બિસ્માર બન્યા છે અને રોડ તૂટી ગયા છે. રોડ ઉપર અડધા અડધા ફુટ જેટલા ખાડા પડ્યા છે. જેને કારણે આવા ઉબડ-ખાબડ અને મગરની પીઠ જેવા રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે.
"છેલ્લા ત્રણ મહિનાથી જ આ રોડ નેશનલ હાઇવે ઓથોરિટી સુપ્રત કરવામાં આવ્યો છે. હાલમાં ચાર માર્ગી રોડનું કામ ચાલી રહ્યું છે. આ માર્ગ ઉપર પડેલા ખાડા પુરવાની તેઓએ બાંહેધરી આપી હતી.-- મુકેશભાઈ ( નેશનલ હાઇવે ઓથોરિટીના ડેપ્યુટી મેનેજર)
મસ મોટા ખાડાઓ: પાટણ શહેરના સુદામા ચાર રસ્તાથી ચાણસ્મા જવાના હાઇવે માર્ગ ઉપર મસ મોટા ખાડાઓ પડ્યા છે. વરસાદે વિરામ લીધો હોવા છતાં જવાબદાર સત્તાધીશો રોડ ઉપર પડેલા આ મોટા ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું નથી. જેને કારણે આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાત્રિમાં અંધારાના કારણે તૂટેલા રોડ દેખાતા ન હોવાને કારણે નાના-મોટા અકસ્માતો પણ સર્જાય છે.
કામગીરી પુરજોશમાં: પાટણ ચાણસ્મા હાઇવે માર્ગ ઉપર હાલમાં ચાર માર્ગીય બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પરંતુ વાહનચાલકો અને મુસાફરો માટે જોખમી બનેલા સુદામા ત્રણ રસ્તાથી ચાણસ્મા તરફ જવાના રોડ ઉપર પડેલા મોટા અને ઉંડા ખાડાઓનું પુરાણ ક્યારે થશે તે જોવું રહ્યું. રસ્તામાં ખાડા પડવા ના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું છે.