પાટણ: જિલ્લામાં જાહેર રસ્તા જીવલેણ બન્યાં છે. ક્યારેક ઓવરટેક તો ક્યારેક નીલગાય વચ્ચે આવી જતા જીવલેણ અકસ્માતો બનતા રહે છે. હાલ રાજ્યમાં માંગલિક પ્રસંગોની ઘટમાળ છે. બુધવાર સવારે સાંતલપુર તાલુકાના ફાંગલી ગામના જોશી પરિવાર આડેસરના ગોગાદરા ગામે લગ્ન પ્રસંગે જતા હતા ત્યારે હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત નડતા પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે.
લગ્ન પ્રસંગે જતા જોશી પરિવારને સાંતલપુર હાઈ-વે પર જીવલેણ અકસ્માત : વાત એમ છે, પરિવારના લગ્ન પ્રસંગમાં રંગેચંગે હાજરી આપવા પોતાની શીફ્ટ કારમાં મુસાફરી કરતાં જોશી પરિવારનો ઉત્સાહ સમાતો ન હતો. પણ વિધાતાને કંઈ ઓર મંજુર હતુ. જોશી પરિવારના મહેન્દ્રભાઈ પોતાની શીફ્ટ કાર ચલાવતા હતા ત્યાં જ ફાંગલી-ચારણકા વચ્ચેના રોડ પર નીલગાય રસ્તે આવી જતા કાર સાથે અથડાઇ અને કાર ત્યાર બાદ બેકાબુ બનતા રસ્તાની બાજીના પાણી ભરેલા ખાડામાં ખાબકતા જોશી પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
નીલગાય જીવલેણ અકસ્માત નિમિત બની : રાજ્યના હાઈ-વે પર અચાનક ધસી આવતા જંગલી પ્રાણીઓથી જીવલેણ અકસ્માતો બનતા રહે છે. રાજ્યમાં નીલગાયની સંખ્યા સતત વધતી જાય છે, જેના કારણે હાઈ-વે પસાર કરતી વખતે અકસ્માતો થાય છે. જોશી પરિવારના મોભી મહેન્દ્રભાઈ જોશીએ પોતાની શીફ્ટ કાર ચલાવતા રસ્તે ધસી આવતી નીલગાયને બચાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા. જીવદયામાં માનનાર મહેન્દ્રભાઈએ નીલગાયને બચાવવના પ્રયાસમાં કાર ઉપરનો કાબુ ગુમાવ્યો જેનાથી કાર રસ્તેથી ફંગોળાઈને બાજુના પાણી ભરેલા ખાડામાં ગઈ ગરકાવ થતા અકસ્માત સ્થળે જ 41 વર્ષીય મહેન્દ્રભાઈ કાંતિભાઈ જોશી, તેમના પત્ની ભાવનાબેન જોશી, તેમની 13 વર્ષીય પુત્રી દિશા જોશી અને તેમની 15 વર્ષીય ઉર્વશી જોશીના મોત થયા છે.
અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે અને મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે : બુધવારે સવારે થયેલા ગમખ્વાર અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે સાંતલપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડતા. જ્યાં પરિવાર, સમાજના અને ગામનો લોકો એકત્ર થતા હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. જોશી પરિવાર માટે માંગલિક પ્રસંગ શોકમાં પરિવર્તીત થયો છે.