- કોવિડની સારવાર લીધેલા દર્દીએ અન્ય દર્દીઓ માટે આપ્યું અનુદાન
- 165 LPM ઓક્સિજન ઉતપન્ન કરવાની ક્ષમતાનો પ્લાન્ટ સિવિલ હોસ્પિટલને મળ્યો
- પાટણ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવા પુરજોશમાં કામગીરી શરૂ
- આ પ્લાન્ટથી હવામાંથી જ સીધો ઓક્સિજન ઉત્પન્ન કરી શકાશે
પાટણ: વર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં ઓક્સિજનની ભારે અછત સર્જાઈ છે. ત્યારે આવી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર પણ સજ્જ બન્યું છે તો બીજી તરફ દાતાઓ દ્વારા હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ માટે અનુદાન પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લા મથક પાટણ ખાતે આવેલી જનરલ હોસ્પિટલમાં 15 દિવસ અગાઉ કોવિડની સારવાર લઇ સાજા થઈને ઘરે ગયેલા એક સુખી-સંપન્ન વ્યક્તિએ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે રૂપિયા 19 લાખનો 165 LPM એટલે કે એક મિનિટમાં 165 લીટર ઉત્પન્ન કરી શકવાની ક્ષમતા ધરાવતો ઓક્સિજન પ્લાન્ટ પાટણ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.
આ પણ વાંચો: પાટણ જિલ્લાના 14 સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર ઓક્સિજન પ્લાન્ટ બનાવાશે
દર્દીઓને સરળતાથી ઓક્સિજન મળી રહેશે
જે પ્લાન્ટ હોસ્પિટલમાં આગામી બે-ચાર દિવસમાં કાર્યરત કરવામાં આવશે. જેનાથી હોસ્પિટલમાં સારવાર રહી લઈ રહેલા ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને સરળતાથી ઓક્સિજન મળી રહેશે.
ઓક્સિજન ઉત્પન્ન કરવા માટે કોઈ રો-મટીરીયલની જરૂર નહીં રહે
પાટણ જિલ્લા ઉદ્યોગ અધિકારી અને જિલ્લા કોવિડ-19ના કો-ઓર્ડિનેટર અધિકારી વિજય ચૌધરીએ જણાવ્યું હતું કે, દાતાની ઈચ્છા અનુસાર 165 LPMનો પ્લાન્ટ મળ્યો છે. આ પ્લાન્ટમાં ઓક્સિજન ઉત્પન્ન કરવા માટે કોઈ જ રો-મટીરીયલની જરૂર રહેતી નથી. જે હવામાંથી જ ઓક્સિજનને ખેંચીને તેને કોમ્પ્રેસ કરીને પાઇપ લાઇન વાટે દર્દીઓ સુધી પહોંચાડશે.
આ પણ વાંચો: પોરબંદરમાં PSA ટેક્નોલોજીથી ઓક્સિજન ઉત્પન્ન કરતા 2 પ્લાન્ટ મંજૂર કરાયા
પાટણના લોકોને હવે ઓક્સિજન માટે દોડાદોડી કરવી નહીં પડે
હાલમાં પાટણ સિવિલ હોસ્પિટલમાં 30 બેડની સુવિધા છે. જેમાં ઓક્સિજન વાળા 24, ઓક્સિજન વગર 6 અને 1 વેન્ટીલેટર બેડ છે. આ પ્લાન્ટ કાર્યરત થઇ જતા વધુ 16 બેડ ઓક્સિજન વાળા વધારી શકાશે. જેથી દર્દીઓને લાભ થશે.
પાટણમાં સ્થાનિક લેવલે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થતા હવે ઓક્સિજનની અછત ઝડપથી નિવારણ કરી શકાશે અને લોકોને ઓક્સિજન માટે દોડાદોડી કરવી નહીં પડે.