પાટણઃ પાટણ જિલ્લામાં મંગળવારે વધુ એક 75 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા કુલ કેસોની સંખ્યા 71 થઈ છે. જ્યારે 10 દર્દીઓએ કોરોનાને માત આપી સારવાર લઇ સ્વસ્થ થતાં તેઓને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 48 દર્દીઓ સારવાર મેળવી સ્વસ્થ બન્યા છે. જ્યારે 17 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
સિદ્ધપુર તાલુકાના નીદ્રોડા ગામના 75 વર્ષના વૃદ્ધને શ્વાસ તેમજ ગળામાં તકલીફ જણાતા તેમનો રિપોર્ટ કરાવતાં તે કોરોનાગ્રસ્ત હોવાનુંં જાણવા મળ્યું હતું. હાલ તેમને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે. પાટણ શહેર અને પંથકમાં કોરોના વાઈરસની મહામારીમાં સપડાયેલા 10 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર મેળવી સ્વસ્થ બનતા તેઓને રજા આપવામાં આવી હતી.
પાટણમાં અત્યાર સુધીમાં કુલ 71 લોકોને કોરોના પોઝિટિવ આવતા તમામને સારવાર હેઠળ ધારપુર, જનતા હોસ્પિટલ તેમજ સિદ્ધપુરની દેથળી ડેન્ટલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતાં. જે પૈકી જનતા હોસ્પિટલ, ધારપુર સિવિલ હોસ્પિટલ અને સિદ્ધપુરની ડેન્ટલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દી સ્વસ્થ બનતા તેઓને રજા આપવામાં આવી હતી.
પાટણ તાલુકાના રૂની, પાટણનો ગીતાંજલી વિસ્તાર, ચાણસ્માની ગુરૂકૃપા સોસાયટી, શંખેશ્વર તાલુકાના રણોદ અને સમીના રાધનપુરી વાસ, રાધનપુરની રત્નાકર સોસાયટીના બે, પાટણના ધનજીયા પાડાના બે અને પાટણનો અન્ય એક મળી કુલ 10 કોરોનાગ્રસ્ત દર્દીઓનો સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતાં તમામ દર્દીઓ ને હોસ્પિટલમાથી રજા આપવામાં આવી હતી.
પાટણના વોર્ડ નંબર-8ના ધનજીયા પાડાના કોરોના ગ્રસ્ત સસરા અને પુત્ર વધુ આજે ઘરે પરત ફરતા પાંચપાડા, બુકડી વિસ્તારના હિંદુ-મુસ્લિમ સ્થાનિક રહીશોએ તાલીઓ પાડી તેઓનું સ્વાગત કર્યું હતું.