પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા 25 જૂનથી લેવામાં આવનારી વિવિધ પરીક્ષાઓ મુલતવી રાખવા મુદ્દે NSUIના કાર્યકરોએ ધરણા યોજ્યા હતા. તેમજ જો પરીક્ષા યોજવામાં આવે તો વિધાર્થીઓની સુરક્ષા અને વિમા કવચ આપવામા આવે તેવી માગ કરી હતી. જોકે કૂલપતિએ કોઈ યોગ્ય જવાબ ન આપતા NSUIના કાર્યકરોએ યુનિવર્સિટીને તાળાબંધી કરી કુલપતિ વિરુધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.
વૈશ્વિક કોરોના મહામારીને લઈ સમગ્ર દેશમાં છેલ્લા ત્રણ મહિનાથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર રાજ્યભરમાં શાળા કોલેજો અને યુનિવર્સિટીઓમા શૈક્ષણિક કાર્ય બંધ કરાયું છે. ત્યારે તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટી કક્ષાએ સ્નાતક, અનુસ્નાતક અને પીજી કક્ષાની પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો હતો. જો કે સૌરાષ્ટ્ર અને ગુજરાતની કેટલીક યુનિવર્સિટીઓ દ્વારા કોરોના સંક્રમણની પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી પરીક્ષાઓ ન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જો કે પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ આગામી 25 જૂનથી સ્નાતક અનુસ્નાતક સહિતની પરીક્ષાઓ લેવાનું નક્કી કર્યું છે, જે મામલે NSUI દ્વારા અગાઉ કુલપતિને આવેદનપત્ર આપી પરીક્ષા મુલતવી રાખવાની માગ કરી હતી. યુનિવર્સિટી દ્વારા પરીક્ષા મામલે કોઈ નિર્ણય ન લેતા શુક્રવારે NSUIના કાર્યકરોએ કુલપતિ પાસે જઈ પરીક્ષા યોજવામાં આવે તો વિદ્યાર્થીઓની સુરક્ષા તેમજ તેઓને એક કરોડ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવે તેવી માગ કરી હતી. યુનિવર્સિટીના કુલપતિએ આ અંગે કોઈ યોગ્ય જવાબ ન આપતા NSUIના કાર્યકરોએ યુનિવર્સિટીના વહીવટી ભવનને તાળાબંધી કરી કુલપતિ વિરુદ્ધ સૂત્રો પોકાર્યા હતા.
આગામી 25 જૂનથી યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનાર પરીક્ષા મામલે યુનિવર્સિટીના કુલપતિ ડો. જે જે વોરાએ જણાવ્યું હતું, કે 85 હજાર વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતે ઓનલાઇન લીંક મૂકતાં માત્ર 785 વિદ્યાર્થીઓએ પરીક્ષા ના આપવી તેવો વિકલ્પ પસંદ કર્યો છે, જ્યારે 4545 વિદ્યાર્થીઓએ તેમના વતન નજીકના પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ કર્યો છે, જેને યુનિવર્સિટીએ મંજૂરી આપી છે. વધુમાં જણાવ્યું કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી માત્ર એક ટકા જેટલા વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપવા તૈયાર નથી, જ્યારે મોટી સંખ્યામાં યુવા પરીક્ષા આપવા બાબતે સહમત થયા છે.