પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છેલ્લા કેટલાય સમયથી રાજકીય અખાડો બની ગઈ હોવાના આક્ષેપ સાથે બુધવારે NSUIના કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. NSUIના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતની આ યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. યુનિવર્સિટીની ગરિમા જળવાતી નથી. હાલમાં શિક્ષણ ધામ નહિ પણ ભાજપનું કાર્યાલય બની ગયાના આક્ષેપો કરી યુનિવર્સિટીના કુલપતિ ડૉ.અનીલ નાયકને આવેદનપત્ર આપી યુનિવર્સિટીને રાજકીય અખાડો બનતી અટકાવવાની માગ કરી હતી.
26 થી 28 સપ્ટેમ્બરે યુનિવર્સિટીમાં યોજાનાર ત્રણ દિવસીય યુવા મહોત્સવમાં પણ એક જ પક્ષના તેમજ શિક્ષણ સાથે સંકળાયેલા ન હોય તેવા લોકોને યુનિવર્સિટીએ આમંત્રણ આપ્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ સહિત ભાજપ પક્ષના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જયારે સ્થાનિક કોંગ્રેસના કોઈ પણ ધારાસભ્યને આમંત્રણ આપવામાં આવ્યું નથી. રાજકીય ઇશારે યુનિવર્સિટીમાં પ્રવૃત્તિઓ થઇ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. યુવા મહોત્સવમાં ભાજપના જીતુ વાઘાણી સહિત ભાજપાના આગેવાનોનો વિરોધ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.