- ચાલુ વર્ષે 4 કરોડ 91 લાખની વેરા વસૂલાત અત્યાર સુધી કરવામાં આવી
- બાકી વેરા વસૂલાત માટે નગરપાલિકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવશે
- 10 હજારથી વધુના વેરા બાકી હોય તેવા મિલકતદારો ની યાદી તૈયાર કરાશે
પાટણ: નગર પાલિકામાં હાલમાં મિલકતદારોના બાકી વેરા વસૂલાત માટેની કામગીરી ચાલી રહી છે. નગરપાલિકામાં ચાલુ વર્ષની 15.25 કરોડ અને ગત વર્ષની 20.14 કરોડનું મળી કુલ 35.39 કરોડના વેરાની વસૂલાત બાકી છે. જેમાંથી પાછલા બાકી વેરાની માત્ર 43.74 લાખ એટલે કે માત્ર 2.17 ટકાની વસૂલાત થઈ છે. જ્યારે ચાલુ વર્ષે 4 કરોડ 91 લાખની રકમ એટલે કે 32 ટકા ની વસૂલાત થઈ છે.
![નગર પાલિકાની વેરા શાખામાં વેરો ભરવા માટેની લાઈનો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-02-morethanrs35croretaxarrearsofpropertyownersinpatan-vb-gj10046_25052021191639_2505f_1621950399_247.jpg)
જો વેરો નહીં ભરાય તો કડક કાર્યવાહી હાથ ધરાશે
મિલકતદારો દ્વારા ચાલુ વર્ષના વેરા ભરી બાકીના વેરાની રકમ ભરવામાં આવતી ન હોવાથી નગરપાલિકાને જોઈએ તેવી આવક મળી રહી નથી. જેથી આ બાકી રકમની પણ વસૂલાત ઝડપથી થાય તે માટે નગરપાલિકા દ્વારા આગામી સમયમાં સઘન કામગીરી કરવામાં આવશે અને તે માટે બે અલગ-અલગ ટીમો બનાવીને દરેક મિલકતદારોનો ડોર ટૂ ડોર સંપર્ક કરવામાં આવશે. આ ઉપરાંત રૂપિયા 10 હજારથી વધુ વેરા બાકી હોય તેવા કરદાતાઓની અલગથી યાદી તૈયાર કરવામાં આવશે અને જો વેરા ભરવામાં આનાકાની કરશે તો જરૂર પડે આવા મિલકતદારોના નળ કનેકશનો પણ કાપવામાં આપવામાં આવશે. નગરપાલિકાની આ આકરી પહેલના કારણે બાકી કરદાતાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ સાથે નગર પાલિકાની વેરા શાખામાં વેરો ભરવા માટેની લાઈનો પણ લાગી રહી છે.